મોરબી જિલ્લામાં જરૂરી વરસાદ ન વરસતા ધરતીપુત્રો ચિંતીત

- text


મોરબી : જિલ્લામાં માંગ્યા મેહ નહીં વરસતા ધરતીપુત્રો ચિંતીત થઈ ગયા છે. સામાન્ય વરસાદ પડવાથી હજી સુધી વાવેતર થઈ શકયું નથી. અત્યાર સુધીમાં વાવેતરનું કાર્ય દર વર્ષે પૂરું થઈ જાય છે. પરંતુ હજી સુધી જોઈએ તેવો વરસાદ ન પડતાં વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. તેથી ખેડૂતો વરસાદની ઝંખનામાં આકાશ ભણી મીટ માંડીને ચાતક નયને આતુરતા પૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છેમોરબી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારો હજી સુધી કોરા ધાકોડ રહ્યા છે. માત્ર સામાન્ય વરસાદથી સંતોષ માનવો પડ્યો છે. જૂનનાં અંતિમ દિવસમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ જતો હોય છે. પરંતુ હજુ વાવણી લાયક વરસાદ ન આવતા વાવણી ન થવાથી ખેડૂતોની માઠી દશા થઈ ગઈ છે. જો કે ગઇકાલે અષાઢીબીજે મેઘા ડ્ંબર છવાયું હતું. તેથી ધોધમાર વરસાદ વરસી પડે એવી લોક હૈયે આશા બંધાઈ હતી પરંતુ અષાઢી બીજે સામાન્ય વરસાદ જ પડતાં અષાઢી બીજે વાવણી કરવાનું શુકન સૂચવાયુ નથી. ગઇકાલે જિલ્લામાં અમુક વિસ્તારોમાં જ વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે ઘણી બધી જગ્યાએ વરસાદનું નામો નિશાન પણ જોવા મળ્યું જ હોતું. આથી ખેડૂતો સંકટમાં મુકાઇ ગયા છે. આ અંગે ખેતી વિસ્તરણ અધિકારી ગજેરાએ મોરબી અપડેટને જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાનાં ઘણાં ખરા વિસ્તારો વરસાદથી વંચિત છે. અત્યાર સુધીમાં સારો વરસાદ પડી જતો હોય છે પરંતુ વરસાદ ન વરસતા અષાઢી બીજ સુધીમાં ૭૦ ટકા વાવેતર થવું જોઈએ તેના બદલે ૩૫ ટકા જેટલું જ વાવેતર થયું છે. આ વાવેતર પણ જે ખેડૂતો પાસે સિંચાઇની સુવિધા હોય તેવા ખેડૂતોએ વાવેતર કર્યું છે. અને જો થોડા દિવસમાં સારો વરસાદ ન થાય તો એ વાવેતર નિષ્ફળ જવાની શક્યતા છે. જ્યારે બગથળાના ખેડૂત રમેશભાઈ કણસાગરા કહે છે કે, છેલ્લા ૧૫ વર્ષથી ખેતી કરું છું તેમાં છેલ્લા ૫ વર્ષથી વરસાદની અનિયમિતતા ઉભી થઈ છે. તેથી ક્યારે વાવેતર કરવું તે નક્કી જ કરી શકતા નથી. આ વર્ષે ૧૫ દિવસ પહેલા સુકામાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ન પડતાં બિયારણ બળી ગયું છે. હવે ફરી પાછું વાવેતર કર્યું છે. જો ૧૫-૨૦ દિવસમાં વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે. જ્યારે જેપુર ગામના ખેડૂત ચંદલાલ દલસાણીયાએ જણાવ્યુ હતું કે, તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી ખેતી કરે છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી વિલંબીત ચોમાસુ રહેવાથી વાવેતર કરવામાં મુશ્કેલી પડે છે. આ વખતે હજી સુધી વાવણી લાયક વરસાદ ન પડતાં વાવેતર કરી શક્યા નથી. અને જો ટૂંક સમયમાં વરસાદ નહીં પડે તો આ વરસ પણ ખરાબ જશે તેવી દેહશત વ્યક્ત કરી છે. એકંદરે હજી સુધી જોઈએ તેવો વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતાજનક સ્થિતિ છે. તેથી મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી ખેડૂતો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં છે.

- text

- text