મોરબીનું હરીહર અન્નક્ષેત્ર : જરૂરિયાતમંદ લોકોની જઠારાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

- text


જમનાદાસ મોતીલાલ હિરાણીનો સેવાયજ્ઞ આજે વટવૃક્ષ બન્યો : દરરોજ બે ટાઈમ ૫૫૦ લોકો વિનામૂલ્યે જમે છે  : અન્નક્ષેત્ર ઉપરાંત ૨૨ વર્ષથી વિનામૂલ્યે શબવાહિની તથા એમ્બ્યુલન્સ સહિત મેડીકલ દવાઓની સેવા 

મોરબી : સંત શિરોમણી પૂ.જલારામ બાપાનો દેને કો ટુકડા ભલા, લેને કો હરી કા નામના જનસેવા એ જ પ્રભુ સેવાના ઉમદા ધ્યેયને મોરબીનું હરીહર અન્નક્ષેત્રના સંસ્થાપકે ચરિતાર્થ કરી બતાવ્યો છે. તેમણે ૩૦ વર્ષ પહેલા સાઈકલથી શરૂ કરેલી ટિફિન સેવા આજે વટવૃક્ષ બની ગઈ છે. વર્તમાન સમયમાં આ સંસ્થામાં દરરોજ બે ટાઈમ ૫૫૦થી વધુ ભુખ્યાજનોની જઠારાગ્નિને તૃપ્ત કરવામાં આવે છે.
મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા હરીહર અન્નક્ષેત્રના સંસ્થાપક જમનાદાસ મોતીલાલ હિરાણી (ઉ.વ.૭૪) ૩૦ વર્ષ પહેલા પૂ.જલારામ બાપાના સેવાકાર્યથી પ્રેરાઇને ભુખ્યાજનોની જઠારાગ્નિ ઠારવા માટે ટિફિન સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ સાયકલ પર સીવીલ હોસ્પિટલ અને જરૂરિયાતમંદ વિધવા બહેનોને નિયમિત ટિફિન પહોચાડતા હતાં. છેલ્લા કેટલાક વર્ષોથી હરીહર અન્નક્ષેત્રમાં જરૂરિયાતમંદ લોકોની જઠારાગ્નિને ઠારે છે. દરરોજ બપોરે આ સંસ્થામાં ૨૫૦ જેટલાં લોકો જમે છે. તેમજ ૬૦ જેટલાં લોકો ટિફિન લઈ જાય છે, આ સંસ્થા દાતાઓના સહયોગથી વિશાળ વડલો બની જતાં અન્નપૂર્ણા રથ વસાવ્યો છે. આ રથમાં ભોજનની સામગ્રી લઈને શહેરની ઝૂપડપટી વિસ્તારમાં ગરીબ લોકોને ભોજન પહોંચાડવામાં આવે છે. દરરોજ સાંજે આ રીતે ૩૦૦ લોકોને નિયમિત રીતે ભોજન પહોચાડે છે. ભોજનમાં નિતમિત દાળ, ભાત, શાક, રોટલી તથા મીઠાઇ અને ફરસાણ પીરસાઈ છે. તેમજ સિઝન પ્રમાણે શીખંડ અને કેરી આપવામાં આવે છે. જમનાદાસભાઈ પહેલા ગેસના ચૂલાની દુકાન ચલાવતાં હતાં અને ૩૦ વર્ષ પહેલા આ કામ છોડીને સેવાકીય પ્રવૃતિમાં જોડાઈ ગયાં હતાં. વૃધ્ધાવસ્થાને કારણે તબિયત નાદુરસ્ત હોવા છતાં નિયમિત રીતે અવિરત સેવા કરી રહ્યા છે. તેમના પુત્રો પણ પિતાના પગલે સેવાકીય પ્રવૃતિમાં બનતી મદદ કરે છે. દુકાનમાં જે આવક થાય તેના ૨૫% હિસ્સો આ સંસ્થામાં આપે છે. અગાઉ સરકારી હોસ્પિટલમાં દવાનું વિતરણ કરતાં તેમજ મેડિકલ કેમ્પ કરતા. તેમજ સદભાવના હૉસ્પિટલમાં તેમણે સેવા આપી છે. ઉપરાંત ૨૨ વર્ષથી વિનામૂલ્યે શબવાહિની તથા એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે. ૧૯૮૦માં મોરારીબાપુની કથા તથા ૧૯૮૪માં રમેશ ઓઝાની કથા સમયે રસોડાની જવાબદારી નિભાવી હતી. આ સેવા કાર્ય બદલ તેઓને અનેક વખત માન સન્માન મળ્યા છે. તેઓ કહે છે કે, જન સેવા એજ પ્રભુ સેવાનો મારો જીવન મંત્ર છે. જેને જીવન પર્યત વળગી રહીશ.

- text