ગોલ માલ હૈ ભાઈ…મોરબીમાં આધારકાર્ડથી પણ વધુ રેશનકાર્ડની જનસંખ્યા

બારકોડેડ રેશનકાર્ડ આવ્યા બાદ પણ જિલ્લામાં ભૂતિયા રેશનકાર્ડનું દુષણ ન ગયુ

મોરબી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ૧૦૦ ટાકા પૂર્ણ થવાના આરે છે ત્યારે ભૂતિયા રેશનકાર્ડના અસ્તિત્વની ચોંકાવનારી બાબત સામે આવી છે. મોરબીમાં હાલમાં આધારકાર્ડની જનસંખ્યાની તુલનાએ રેશનકાર્ડની જનસંખ્યા વધુ છે જે બતાવે છે કે ક્યાંક મોટી ગોલ-માલ છે.
મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે ૯,૮૫,૦૬૯ની કુલ વસ્તી હોવાનું સરકારી આંકડા બોલી રહ્યા છે તો બીજી તરફ જિલ્લામાં કુલ મળી જુદી-જુદી કેટેગરીના ૨,૪૭,૮૭૨ રેશનકાર્ડ કાઢવામાં આવ્યા છે જેની જનસંખ્યા ૧૧,૦૧,૦૯૭ હોવાનું સરકારી ચોપડે બોલી રહ્યું છે ત્યારે સવાલ એ ઉઠે છે કે મોરબી જિલ્લાની સાચી વસ્તી કેટલી? આધારકાર્ડ મુજબની કે પછી રેશનકાર્ડ મુજબની?
બીજી તરફ રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે આધારકાર્ડ ફરજીયાત બનાવાયા છે અને રેશનકાર્ડમાં જેટલા સભ્યો નોંધાયા હોય તેટલા લોકોના આધારકાર્ડ સાથે લિંકઅપ ફરજીયાત કર્યું હોવા છતાં મોરબી જિલ્લામાં આધાર લિંક અપમાં હજુ અનેક રેશનકાર્ડ બાકી છે.
ઉલ્લેખનીય છે કે, બારકોડેડ રેશનકાર્ડ અપાય ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સસ્તા અનાજના દુકાનદારો સાથે સાથ-ગાંઠ આચરી અનેક ભૂતિયા રેશનકાર્ડ સિસ્ટમમાં ઘુસાડી દેવામાં આવ્યા છે અને છેલ્લા વર્ષોમાં આવા ભૂતિયા રેશનકાર્ડનો જથ્થો ખુલ્લા બજારમાં કાળાબજાર કરી પરવાનેદારોએ કાળધોળા પણ કરી લીધા છે. જો કે કાળાબજાર થકી કરોડોની કાલી કામની કરતા સસ્તા અનાજના પરવાનેદારો હવે લાંબો સમય પોતાની ભક્તિ નહિ ચલાવી શકે કારણ કે આગામી માસ થી આધારકાર્ડ સાથે લિંકઅપ ન થયા હોય તેવા રેશનકાર્ડધારકોને અનાજ-કેરોસીન બંધ કરવામાં આવનાર છે ઉપરાંત રેશનકાર્ડ ધારકો દ્વારા રજુ થયેલા આધારકાર્ડનું આધારકાર્ડના સર્વર સાથે મેપિંગ થવાનું હોય મોટાભાગના ખોટા આધારકાર્ડ નંબરના આધારે મેપિંગ થયેલા ભૂતિયાકાર્ડનો મોક્ષ થઇ જશે. નોંધનીય છે કે. અત્યાર સુધી સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા ભૂતિયા રેશનકાર્ડના આધારે સરકારનો અનાજ-કેરોસીનનો જથ્થો કાળા બજારમાં ધકેલી મોટી કાળી કામની કરી લીધી છે જેમાં તંત્ર પણ સહભાગી બનીને મૂંગા મોઢે તમાશો જોતું રહ્યું છે પરંતુ હવે આ ખેલ લાંબો સમય નહિ ચાલી શકે એવું લાગી રહ્યું છે.