મોરબીની શાળા દ્વારા બાળકોના જન્મદિવસની વૈદિક પરંપરા અનુસાર કરાતી ઉજવણી

- text


સરસ્વતી શિશુમંદિરે વૈદિક પરંપરાને જીવંત રાખવા નવતર અભિગમ અપનાવ્યો

મોરબીમાં વિદ્યાભારતી સંચાલિત સ્કૂલ સરસ્વતી શિશુમંદિરે વૈદિક પરંપરાને જીવંત રાખવા નવતર અભિગમ અપનાવ્યો છે. શાળાના બાળકોના જન્મ દિવસની હોમ હવન સહીત વૈદિક ક્રિયા કરીને જ ઉજવણી કરવામાં આવે છે. જેથી બાળપણથી બાળકોમાં વૈદિક પરંપરા , સંસ્કૃતિને જતન કરવાની શીખ મળે છે.
મોરબીમાં આવેલી વિદ્યાભારતી સંચાલિત પ્રતિષ્ઠિત સ્કૂલ સરસ્વતી શિશુ મંદિર 28 વર્ષથી કાર્યરત છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે છેલ્લા 28 વર્ષથી સરસ્વતી શીશુમંદિર શાળા બાળકોને પરંપરાગત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ આપીને સર્વાંગી વિકાસની સાથે વૈદિક પરંપરાનું જતન કરી રહી છે. આ શાળામાં દરમહિને છેલ્લા શનિવારે જેટલા બાળકોના જન્મદિવસ આવે એ બધા બાળકોના જન્મદિનની સામુહિક હવન કરીને ઉજવણી કરવામાં આવે છે. જેથી બાળકોમાં સારા જીવનમૂલ્યો અને સંસ્કારો, ચરિત્રનું ઘડતર થઈ શકે છે. આ અંગે શાળાના આચાર્ય જયશ્રીબેન સરાવડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અંધકારને દૂર કરિને અજવાળાનો ઉદય કરે છે. આથી જીવનમાં હતાશા દૂર થઈને એક નવો જ સુખનો સુરજ ઉગે છે. જયારે પશ્ચિમી સંસ્કૃતિમાં મીણબત્તી ઓલવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે તેથી અંધારું સર્જાય છે. પરંતુ આપણી સંસ્કૃતિ મુજબ હવન કરીને જન્મદિવસની ઉજવણી કરવાથી બાળકોમાં વૈદિક સંસ્કૃતિનું જતન કરવાનું જ્ઞાન મળે છે.

- text