મોરબી પાલિકાના કર્મીઓની હડતાલનો બીજો દિવસ : કર્મચારીઓએ સૂત્રોચાર કર્યા

- text


સાતમા પગારપંચ, કોમન કેડર મુદ્દે નગરપાલિકાનાં કર્મચારીઓ આર યા પારનાં મુડમાં : જરૂર પડે તો ૧ જુલાઈથી પાલિકા કર્મચારીઓની અચોક્કસ હડતાલ પર જશે

મોરબી : ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સાતમા પગારપંચ, કોમન ફેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે મોરબી સહિતની રાજ્યની તમામ નગર પાલિકાના કર્મચારીઓની શરૂ થયેલી રાજ્યવ્યાપી હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી છે ત્યારે આજે મોરબી નગર પાલિકામાં કર્મચારીઓએ સુત્રોચાર કરી આગામી ૧લી જુલાઇથી આ હડતાલને અચોકકસ મુદતની હડતાલમાં પરિવર્તિત કરવાની મહામંડળના ઉપપ્રમુખ નરેન્દ્ર્સિંહ જાડેજાએ જાહેરાત કરી છે.
મોરબી અપડેટને પ્રાપ્ત વિગત મુજબ રાજ્યની ૧૬૨ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા સાતમુ પગારપંચ, કોમન ફેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા તા.૨૧થી ૨૩ જૂન સુધી સમગ્ર રાજ્યની નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા સામૂહિક હડતાલનો માર્ગ અપનાવાયો છે. જેમાં ગત તા.૨૦ના રોજ સરકારશ્રીનાં પ્રતિનિધિ સાથે વાટાઘાટો કરવા છતાં કર્મચારીઓ મહામંડળને લેખિત ખાતરી ન આપતા સામૂહિક હડતાલ પર ઉતરી ગયેલા નગરપાલિકાનાં કર્મચારીઓએ સફાઈ, પાણી અને લાઈટની વ્યવસ્થા ઠપ કરી દઈને ત્રણ દિવસની હડતાળ અને ત્રણ દિવસની જાહેર રજાને કારણે સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યો છે.
બીજી તરફ હડતાળનાં પહેલાં દિવસે જ મોરબી સહિતની રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓમાં લોકોની પ્રાથમિક સુવિધા પાણી, સફાઈ અને રોશની વ્યવસ્થાની માઠી અસર વર્તાવાનું શરૂ થયું છે. અને હજુ આ હડતાલ આગામી પાંચ દિવસ સુધી ચાલનાર હોય લોકોની મુશ્કેલી વધે તેમ છે.
આ દરમિયાન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં ઉપપ્રમુખ નરેન્દ્ર્સિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, કર્મચારીઓની હડતાલનાં પહેલાં દિવસથી જ પ્રજાકીય સેવાઓને માઠી અસર પહોંચી છે જો સરકાર દ્વારા નગરપાલિકા કર્મચારીઓની માંગણી પ્રત્યે હજુ પણ ધ્યાન નહીં આપવામાં આવે તો આગામી ૧લી જુલાઈથી કર્મચારી મહામંડળ દ્વારા જ્યાં સુધી માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અચોકસ મુદતની હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાયો છે. વધુમાં નરેન્દ્ર્સિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા રાજ્યના મોટા ભાગના બોર્ડ નિગમોને ૭માં પગારપંચનો લાભ આપી દેવાયો છે ત્યારે માત્રને માત્ર નગરપાલિકા જેવી બે ચાર સ્વાયત સંસ્થાઓને જ શા માટે લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તે સમજાતું નથી. આ સંજોગોમાં સરકારશ્રી હઠાગ્રહ ભરી નીતિને કારણે રાજ્યની ૧૬૨ નગરપાલિકા વિસ્તારના પ્રજાજનોને આ હડતાળ સહન કરવાનો વારો આવ્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text

શહેરમાં લાઇટ, પાણી અને સફાઈ વયવસ્થામાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દેવાય : ઉપપ્રમુખ ભરતભાઇ જારિયા

મોરબીમાં ગઇકાલથી ત્રણ દિવસની હડતાળ પર ઉતરી ગયેલા નગરપાલિકાનાં કર્મચારીઓની હડતાળને પગલે શહેરમાં લાઇટ, પાણી અને સફાઈ વયવસ્થામાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દેવાય તેવું જણાવી નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઇ જારિયાએ જણાવ્યુ હતું કે નગરપાલિકાનાં પાણી વિતરણ, લાઇટ અને સફાઈ વ્યવસ્થા જેવી સેવાઓ માટે રોજ્મદાર કર્મચારીઓને કામે લગાડી દેવાયા છે. ઉપરાંત પ્રજાજનોનાં આવકના દાખલા, જન્મ મરણના દાખલા કે અન્ય ઑફિસ કામો માટે પણ રોજમદાર કર્મચારીઓને બેસાડી દરરોજ સાંજે આવા મહત્વનાં કામોનો નિકાલ કરવા માટે ચીફ ઓફિસર સામે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.⁠⁠⁠⁠

 

- text