મોરબી : કલેકટર કચેરીમાં નેશનલ ઈન્ફોરમેઈડ સેન્ટર શરુ ન થતા અધિકારી-કર્મચારીઓને રાજકોટનાં ધક્કા

- text


સરકારનાં ડિજીટલ ઈન્ડિયાનાં દાવા પોકળ

મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યાને આજે ત્રણ વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ જિલ્લા કચેરી માટે મહત્વનું એવું નેશનલ ઈન્ફોરમેઈડ સેન્ટર એટલે કે, એનઆરસી શરુ ન થતા ગુજરાત સરકારની ડિજીટલ ઈન્ડિયાની પોલ છતી થઈ ગઈ છે. બીજી તરફ એનઆઈસી શરુ ન થતા નાની નાની બાબતો માટે પણ અધિકારી-કર્મચારીઓને રાજકોટનાં ધક્કા ખાવા પડે છે.
જિલ્લા કલેકટર કચેરીનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર હાલ કલેકટર કચેરી ખાતે એનઆઈસી માટે જગ્યા ફાળવી દેવામાં આવી છે અને બે એન્જિનિયર પણ આવી રહ્યા છે પરંતુ એનઆઈસી માટેની જરૂરી માળખાગત સુવિધા અને ઈન્ફાસ્ટ્રક્ચર તેમજ ડિવાઈસ હજુ સુધી ફાળવવામાં આવ્યા ન હોવાથી જિલ્લા કલેકટર કચેરીની નાની મોટી કામગીરી માટે રાજકોટ એનઆઈસી પર આધાર રાખવો પડે છે.
એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ડિજીટલ ઈન્ડિયાનાં બગણા ફૂંકી રહી છે અને કામગીરી ઓનલાઈન કરવાની ડહાપણ ભરી વાતો કરી રહી છે. ત્યારે મોરબીને જિલ્લા બન્યાને આજે ત્રણ વર્ષ થયા પછી પણ કલેકટર કચેરીની મહત્વની એવી એનઆઈસી શાખા જ કાર્યવત ન થતા આશ્ચર્ય સર્જાયું છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા સેવાસદન અને તાલુકા સેવાસદન સહિતમાં ડિજીટલ સિગ્નેચર અને મામલતદાર, નાયબ મામલતદારનાં થમ્બ ઈમ્પ્રેશન જેવી નાની નાની બાબતો ઉપરાંત ઓનલાઈન અને અન્ય ડેટા અપલોડ કરવા માટે હાલ મોરબી કલેકટર કચેરી સંપૂર્ણપણે રાજકોટ એનઆઈસી સેન્ટર પર જ આધારિત હોવાથી અધિકારી-કર્મચારીઓને નાની મોટી કામગીરી માટે રાજકોટ જઈ આખો દિવસ બગાડવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સૌથી મોટી અચરજની વાત એ છે કે, એનઆઈસીનાં ડિવાઈસ કે ઈન્ફાસ્ટ્રક્ચર ઉભું કરાયું ન હોવા છતાં બે એન્જિનીયરો એનઆઈસીની ફરજમાં મુકવામાં આવ્યા છે. જેઓ શું ફરજ નિભાવી રહ્યા હશે એ પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે.

- text

- text