મોરબી : અંકુર સોસાયટી વિસ્તારમાં રસ્તાના પ્રશ્ને પાલિકામાં મહિલાઓનો મોરચો

- text


મોરબી : અંકુર સોસાયટી શનાળા રોડની મહિલાઓએ નગરપાલિકામાં મોરચો માંડી પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે, બે માસમાં અનેકો વખત શેરીમાં પાક્કો ડામર રોડ અને સીસી રોડ બનાવવા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ૧૫ દિવસમાં કામગીરી શરુ થઈ જશે તેવા આશ્વાસનો મળે છે. જેથી નગરપાલિકાનું જુઠ્ઠાણું દેખાય આવ્યું છે. આ બાબતે મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારની શેરીઓની હાલત અત્યંત બિસ્માર છે. સાવ કાચો અને ધુળમાટીનો રસ્તો છે. ખૂબ જ ખાડા અને ગાબડા હોવાથી ચોમાસામાં પાણીનાં તળાવો ભરાય છે. જેથી મચ્છરનો ઉપદ્રવ થાય છે અને બીમારીઓ ફેલાય છે. આથી તુરંત જ આ વિસ્તારનાં રસ્તાઓને પાક્કા બનાવવામાં આવે. આ ઉપરાંત આ વિસ્તારની શેરીનો રોડ મેઈન રોડ શનાળા રોડને મળતો હોય ખૂબ જ વાહનવ્યવહારની આવક જાવક મોડી રાત્રી સુધી ચાલુ હોય છે. અને શેરીની હાલત બિસ્માર હોવાથી રહીશો, બાળકો, વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડે છે. આથી સૌ રહિશોની માંગણી છે કે, મજબૂત અને પાકો ડામર રોડ સીસી રોડ બનાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. મહિલાઓની રજૂઆતને ઉપપ્રમુખ ભરત જરિયાએ શાંતિથી સાંભળી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

- text