બોલો..મોરબીમાં બનતી નવી જિલ્લા પંચાયત અને એસપી કચેરીના બાંધકામની મંજૂરી જ નથી !

- text


માર્ગ-મકાન વિભાગના અધિકારીની ઘોર બેદરકારી : નવા જિલ્લા સેવાસદનનો પ્લાન પણ મંજુર ન કરાયો હોવાનો ધડાકો : નિયમનું પાલન કરવાનારને નિયમ લાગુ પડતા નથી?

મોરબી : મોરબી જિલ્લામાં દલાતરવાળીની નીતિ વચ્ચે આમ નાગરિકોને બાંધકામની મંજૂરી આપતી કચેરી જિલ્લા સેવા સદનમાં જ છડે ચોક કલેક્ટરની નજર સામે જ મંજૂરી વગર બાંધકામ ધમધમી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
ટોચના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ જિલ્લા સેવાસદનમાં અદ્યતન જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા પોલીસ વાળાની કચેરીનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું છે અને હાલમાં બન્ને કચેરીના બાંધકામમાં બીમ કોલમ પર એક મજલા કરતા વધુ ભાગનું ચણતર કામ પણ પૂર્ણ થવામાં છે. આ સમયે આશ્ચર્ય તો એ વાતનું છે કે આ બંને બાંધકામ શરુ થવા છતાં આજ દિન સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા બિલ્ડીંગ પ્લાન તંત્ર પાસે મંજૂરી માટે મુકવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, જો કોઈ સામાન્ય નાગરિક પોતાના રહેણાંક માટે નાનું એવું બાંધકામ શરુ કરે તો તે બાંધકામ માટે તંત્ર સમક્ષ જરૂરી ફી ચૂકવી બિલ્ડીંગ પ્લાન મંજુર કરાવવાનો નિયમ બતાવવામાં આવે છે અને જો કોઈએ બાંધકામની પૂર્વ મંજૂરી લીધી ન હોય તો આજ તંત્રવાહકો નાગરિકોને શહેરી વિકાસ અને નગર રચનાના નિયમો અંતર્ગત નોટિસ ફટકારી કાયદાનું ભાન કરાવે છે. આ સંજોગોમાં આ બિલ્ડીંગ બનાવવાની જવાબદારી લેનાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને શું નવા બાંધકામ માટે મંજૂરી લેવાની જરૂરત નથી?
ચોંકાવનારી હકીકત તો એ છે કે, જિલ્લા સેવાસદનમાં જ્યાં સમગ્ર જિલ્લાના કર્તાહર્તા જિલ્લા કલેક્ટર બેસે છે તે આંખે આખું બિલ્ડીંગ પણ બાંધકામની પૂર્વ મંજૂરી વગર જ ઉભું છે અને બિલ્ડીંગ વપરાશની મંજૂરી વગર જ કચેરી કાર્યાન્વિત કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોમાં જિલ્લાના સમાહર્તા જિલ્લા કલેક્ટરશ્રી બાંધકામ પરવાનગી લેવાની તસ્દી ન લઇ ઘોર બેદરકારી આચરનાર તંત્રવાહકો સામે પગલાં લે છે કે દલાતરવાળીની વાર્તાની જેમ રીંગણાં લ્યો ને બેચાર મુજબ ચલાવી લે છે તે જોવું રહ્યું.

- text

- text