મોરબીનાં ૩૦૧ ગામોનો રૂ. ૩૪૬૩.૬૮ લાખ પાણી વેરો બાકી : ૭ જુન સુધીમાં ન ભરે તો પાણી બંધ

- text


મોરબીનાં ૩૦૧ ગામોનાં વર્ષોથી પાણી વેરાના બાકી રૂ. ૩૪૬૩.૬૮ લાખ મામલે પાણી પુરવઠા બોર્ડે ગ્રામ પંચાયત સામે કડક વલણ દાખવ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા તમામ ૩૦૧ ગામ પંચાયતોને નોટીસ આપી ૭ જુન સુધીમાં બાકી પાણી વેરો ન ભરતા પાણી પુરવઠો બંધ કરવાની ચેતવણી આપી છે.

- text

પાણી પુરવઠા બોર્ડ દ્વારા મોરબીનાં ગ્રામ્ય વિસ્તારોમાં જુદીજુદી યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. આ બદલ દર વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા કચેરીમાં પાણી વેરો ભરવાનો હોય છે. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ગ્રામ પંચાયત પાણી પુરવઠા બોર્ડને વેરો ભરવામાં ઠાગાઠૈયા કરે છે. ત્યારે પાણી પુરવઠા બોર્ડે ૩૦૧ ગામોને નોટીસ ફટકારી તાકીદ કરી છે કે, ૭ જુન સુધીમાં ૩૦૧ ગામ પંચાયતો વર્ષનો બાકી વેરો નહીં ભારે તો પાણી વિતરણ અટકાવી દેવામાં આવશે.
પાણી પુરવઠા કચેરીના અધિકારી રાકેશભાઈ મહેતાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, મોરબીની ૩૦૧ ગ્રામ પંચાયતનો રૂ. ૩૪૬૩.૬૮ લાખનો વેરો બાકી છે. આથી પાણી વેરો ભરી આપવાની નોટીસ ફટકારી વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરી પાણી વિતરણ બંધ કરવામાં આવશે એવું અધિકારીશ્રી તરફથી જણાવવામાં આવ્યું છે ત્યારે કાયમ આવી નોટીસો આપી કાર્યવાહીની ચીમકી આપતા અધિકારીઓ હકીકતે કોઈ પગલા ભરશે કે કેમ તે જોવું રહ્યું.

- text