આવતીકાલે ધોરણ ૧૦નું પરિણામ : મોરબી જિલ્લાનાં ૧૫૩૫૧ વિદ્યાર્થીઓનું ભાવિ ખુલશે

- text


હર વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લાનું પરિણામ ઉચ્ચ આવવાની સંભાવના

મોરબી : ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરિક્ષાનું પરિણામ આવતીકાલે તા.ર૯નાં રોજ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર સવારે ૮ વાગ્યાથી જાહેર કરવામાં આવશે. આ પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે મોરબી અપડેટ વિદ્યાર્થીઓ અને વ્હાલીઓને ધોરણ ૧૦નાં પરિણામથી નાસીપાસ કે હતાશ ન થવા સૂચવે છે. ધોરણ ૧૦નું પરિણામ માત્ર કારકિર્દીનો એક પડાવ છે, મુકામ નહીં. આથી વર્ષ દરમિયાન કરેલી મહેનત અને આવડતનાં આધારે મળેલાં પરિણામને સહર્ષ સ્વીકારી આગામી સમયમાં વધુ પુરુષાર્થ કરવાનો સંકલ્પ કેળવવો જોઈએ.
ધોરણ-૧૦ની પરીક્ષામાં આ વખતે વિક્રમજનક ૧૧.૦૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં મોરબી જિલ્લાનાં ૧૫૩૫૧ વિદ્યાર્થીઓ છે. જેઓનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ના પરિણામની તારીખની સત્તાવાર જાહેરાત કરાઈ હતી એ મુજબ, ધો-૧૦નું પરિણામ તા.૨૯મી મેનાં રોજ સવારે આઠ વાગ્યે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવાશે. વિદ્યાર્થી પોતાના બેઠક નંબર દ્વારા બોર્ડનું પરિણામ જોઈ શકે તેવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ધોરણ-૧૦નાં પરિણામની સાથે સાથે સંસ્કૃત પ્રથમાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
ધોરણ-૧૦ના પરિણામના દિવસે બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં માર્કશીટ મોકલી દેવાશે. જેથી સ્કૂલો જિલ્લાના વિતરણ કેન્દ્રો પરથી સવારે ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં માર્કશીટ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ, ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ માર્કશીટ પણ મળી જાય તેવું આયોજન શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

- text

- text