ટ્રેનમાં ડફલી વગાડતા રાજકોટના યુવાનની વાંકાનેર રેલવે સ્ટેશન પાસે હત્યા

વાંકાનેર : ટ્રેન ડફલી વગાડી મુસાફરોનું મનોરંજન કરી ગુજરાન ચલાવતા રાજકોટ બાવાજી યુવાનની આજે રાત્રે વાંકાનેર રેલવે સ્ટેશન પાસે સામાન્ય બાબતમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાજકોટનામાં રેહતા અને ટ્રેનમાં ડફલી વગાડી ભિક્ષુક તરીકે જીવન જીવતા સુનીલ બાવાજી નામનો યુવાન રાબેતા મુજબ રાજકોટથી ટ્રેનમાં વાંકાનેર આવ્યો હતો. જ્યાં રાત્રે રેલવે સ્ટેશન નજીક વીસી પરા વિસ્તારમાં તેની સાથે જ ટ્રેનમાં આવેલા રાજકોટના હિતેશ ગોવિંદરામ નામના શખ્સ સાથે બસનો ટાઈમ પૂછવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ હિતેશે ક્રોધમાં આવી છરી વડે સુનિલ પર હુમલો કરતા સુનિલનું ઘટના સ્થળે જ મુત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવમાં હત્યારા હિતેશ ગોવિંદરામની છરી સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.