માળિયા (મી) : તાલુકાને અન્યાય થતા સરકાર સામે લડત ચલાવવા ગામેગામ ચોરા ભરાયા

- text


રાજકિય કિન્નાખોરી અને વહીવટી તંત્રનાં લોલોમલોલ સામે માળિયા તાલુકાવાસીઓ બળવો પોકારવાની તૈયારીમાં

માળિયા (મી) : ગુજરાતનાં ઘણા ખરા પછાત તાલુકામાં માળિયા મીયાણા તાલુકાનું નામ મોખરે છે. આ તાલુકાનો સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી છે. આ તાલુકામાં મીઠા ઉદ્યોગને છોડીને એવી કોઈ ફેક્ટરી કે સંશાધન ઉદ્યોગ નથી જેમાંથી આ તાલુકાનાં લોકોને રોજગારી મળી રહે. રોજગારી માટેનું સૌથી મોટું ક્ષેત્ર માળિયાનું કહીએ તો એ છે ખેતી. પરંતુ એ પણ ચોમાસું આધારિત સૂકી ખેતી છે. ખેતી કરવા માટે અહીં કોઈ સિંચાઈ કે ખેતપીયત માટેનો સ્ત્રોત જ નથી.
આ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતોની એક જીવવાની આશા છેલ્લાં કેટલાંક સમયથી જાગી છે. તાજેતરમાં સૌની યોજના સરકારે બહાર પાડી છે જેમાં એક બીજી નદિઓને નર્મદા નદીથી જોડી જે વિસ્તારને સિંચાઈ માટે પાણી નથી મળ્યું તે કમાન એરીયા વધારી ત્યાં પાણી પહોંચાડવાનું કાર્ય હાથ ધરાયું છે. આ યોજનાનાં વિસ્તારની વાત કરીએ તો મોરબી મચ્છુ નદિથી જામનગર દ્વારકા સુધી ખેતપીયતને પાણી પહોંચાડવામાં આવશે પણ કોણ જાણે આ તાલુકાને કોઈની રાજકીય નજર લાગી હોય તેમ કિન્નાખોરી રાખી આ તાલુકાની સિંચાઈ સુવિધાને રાજકીય મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. જેથી હજારો પરિવાર દુઃખમાં સરી પડ્યા છે.
તાજેતરમાં જ માળિયા તાલુકાના ખેડુતોએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મોરબી કલેકટરને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવા જણાવી આ દિશામાં પંદર દિવસની અંદર યોગ્ય નિર્ણય લેવાંનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. પરંતુ પંદર દિવસનો સમય વિતવા છતા કોઈ નક્કર પરિણામ ન આવતા ફરીથી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉગ્ર આંદોલન કરવા માટે આજુબાજુનાં ગામનાં લોકો એકબીજા ગામે જઈને ગામનાં ચોરા ઉપર ગ્રામસભા ભરવા લાગ્યા છે. આમ, માળિયા તાલુકાવાસીઓ આવનારા સમયમાં ખેત સિંચાઈને લઈને મોટી લડતના એંધાણ આપી રહ્યા છે. આ લડત સભા મોટાભેલા, ભાવપર, બગસરા, નાનાભેલા સહિત આવનાર દિવસોમાં આખા તાલુકાનાં ગામોમાં ભરવામાં આવનાર છે. જેમા રાજકીય નેતાઓ અને ચુંટણી બહિષ્કાર સહિતની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે⁠.⁠⁠⁠

- text