હળવદ : લોહાણા સમાજ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો શુભારંભ

સંગીતમય સુરાવલી અને અમૃતવાણી વડે શાસ્ત્રી હિરેનભાઈ કથામૃતનું ભાવિકોને રસપાન કરાવશે

હળવદ : આજ રોજથી હળવદ મુકામે સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ મંદિર લોહાણા સમાજની વાડી ખાતે ભવ્યાતિભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનયજ્ઞનું રસપાન પ્રસિદ્ધ કથાકાર શ્રી હિરેનભાઈ શાસ્ત્રી પોતાનાં અમૃતવચનો વડે કથા રસિકોને કરાવશે. તા. ૨૬ મેથી ૧ જુન સુધી યોજાયેલી આ કથામાં ભાગવતના દરેક પ્રસંગોની ઉજવણી સહિત કૃષ્ણજન્મને ભાવથી ઉજવવામાં આવશે.
આજે સવારે ૯ વાગ્યે જૂની મામલતદાર ઓફીસ પાસેથી ભાગવત સપ્તાહની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો-મહંતો ઉમટી પડ્યા હતા. આ પોથી યાત્રામાં અનેક સંતો-મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો સાથે લોહાણા સમાજના મોભીઓ ઉપસ્થિત રહી લોહાણા સમાજની વાડી ખાતે સપ્તાહનો શુભારંભ કર્યો હતો. કથા શ્રાવણનો સમય સવારે ૯થી ૧૨ અને સાંજે ૪થી ૭ વાગ્યાનો રાખવામાં આવ્યો છે ઉપરાંત તા. ૨૮ મેનાં રોજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અશોકભાઈ ભાયાણી પોતાની આગવી શૈલીમાં રામધૂનની રમઝટ બોલાવશે.
આ કથામાં પરમપૂજ્ય જાનકીદાસ બાપુજી ભાણસાહેબની જગ્યા (કમીજલા) વાળા બાપુ તા. ૩૧મેનાં ખાસ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ શ્રી લોહાણા મહાપરિષદનાં પ્રમુખ પ્રવીણભાઈ કોટક, મહામંત્રી હિમાંશુ ઠક્કર, અધ્યક્ષ પર્યાવરણ સમિતિ કિરીટભાઈ ભીમાણી અને ઉપાધ્યક્ષ પર્યાવરણ સમિતિ શૈલેષભાઈ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત લોહાણા મહાજન મંડળ હળવદ રઘુવંશી યુવક મંડળ અને રઘુવંશી મહિલા મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે.