આજે શનિજયંતિ : મોરબીમાં શનિદેવના ત્રણ મંદિરો

- text


ન્યાયના દેવતાને પ્રસન્ન કરવાનો અનેરો અવસર

શનિગ્રહ વાયુતત્વ અને પશ્ચિમ દિશામાં સ્વામી છે જેની અન્ય ગ્રહોની તુલનામાં ધીમી ગતિએ ચાલુ છે. શનિ કોપથી બચી સૂર્યપુત્રને રીઝવવા શું કરવું જોઈએ? શનિ જયંતિ પર જાણો..

મોરબી : આપણે દર શનિવારે હનુમાનજી મહારાજ અને શનિદેવની પૂજા અર્ચના કરીએ છીએ. જેમાં હનુમાનજી મહારાજની પૂજા કલ્યાણકારી તેમજ શનિની કોપ દ્રષ્ટિથી બચાવનારી છે. ત્યારે શનિ જયંતિ પર્વ વિશેષરૂપથી શનિદેવનું પૂજન કરવાનું અનેરું મહત્વ છે. કેમ કે શનિદેવ ન્યાય અને મૃત્યુના દેવતા છે. આજે તા.૨૫ મે ગુરૂવારના રોજ શનિજયંતિ પર્વ આવી રહ્યુ઼ં છે ત્યારે શનિ મહારાજનો કોપ શાંત કરવા વિશેષ પૂજનઅર્ચન કરવું જોઇએ. મોરબીમાં પણ શનિદેવના ત્રણ મંદિરો આવેલા છે. જેમાં પરષોત્તમ ચોક, કાલિકા પ્લોટમાં શનિદેવનું મંદિર છે. તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ અને નવલખી રોડ પર ત્રિલોકધામ પાસે શનિદેવના મંદિર છે. જ્યાં કાલે શનિ જ્યંતિની ઉજવણી કરવા વિશેષ આયોજનો કરાયા છે. જેમાં તમામ મોરબીના શનિદેવ મંદિરોમાં સવારે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જયારે પરસોતમ ચોકમાં શનિદેવ મંદિરે રાત્રે 9.00 વાગ્યે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેઠ માસની અમાસ એ શનિદેવ મહારાજનો જન્મોત્સવ પર્વ છે. શનિદેવને પ્રસન્ન કરવા અનેક મંત્રો અને સ્ત્રોત છે. શનિદેવ અને નવગ્રહોમાં એક છે. તેમને સેવકનું સ્થાન પણ અપાયું છે. અન્ય ગ્રહોની તુલનામાં શનિદેવ ધીમીગતિએ ચાલે છે. એટલે એક રાશીમાં અઢી વર્ષ સુધી રહે છે. પુરાતન કથાઓ અનુસાર શનિદેવના જન્મ વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે. શનિ ગ્રહ વાયુતત્વ અને પશ્ચિમ દિશાના સ્વામી છે.
શનિદેવના જન્મ વિશે એક પૌરાણિક કથા એવી છે કે શનિદેવ ભગવાન સુર્યનારાયણ અને તેમના પત્ની છાયાના પુત્ર છે. સુર્યદેવના વિવાહ સંજ્ઞા સાથે થયા બાદ તેઓને ત્રણ સંતાનો મનુ, યમરાજા અને યમુનાની પ્રાપ્તી થઇ. સંજ્ઞા સુર્યદેવના તેજ લાંબો સમય સુધી સહન કરી શકી નહી. આથી તે પોતાની છાયાને સુર્યદેવની સેવા માટે મુકી ત્યાંથી ચાલી ગઇ. થોડા સમય બાદ છાયાએ શનિદેવને જન્મ આપ્યો. આમ શનિદેવ છાયાપુત્ર કહેવાયા.
શનિજયંતિ પૂર્વે શનિદેવનું વિધિ વિધાન સાથે પુજાપાઠ અને દાન કરવામાં આવે તો શનિદેવ તમામ કષ્ટોમાંથી મુકિત આપે છે. શનિજયંતિના દિવસે સ્નાનાદી ક્રિયા કર્યા બાદ લાકડાની પાટ કે બાજોઠ પર કાળારંગનું વસ્ત્ર પાથરી તેના પર શનિદેવની પ્રતિમા તસ્વીર કે શનિદેવના પ્રતીકરૂપ સોપારી રાખી બંને બાજુ સિંગતેલ, સરસવનું તેલ કે પછી ચમેલીના તેલમાંથી કોઇપણ એકનો દીવો પ્રગટાવી શનિદેવની પ્રતિમા તસ્વીર કે પ્રતીકરૂપ સોપારીને જળ, દૂધ, પંચામૃત, ઘી, અતરથી સ્નાન કરાવવું જોઇએ. ત્યારબાદ અબીલ, ગુલાલ,કંકુ, સિંદુર અને કાજલ લગાવી જાંબલી કે કાળારંગનું ફુલ અર્પણ કરવું જોઇએ. આ પછી તેલમાં તળેલી વસ્તુઓમાં નિવેદ અર્પણ કરવો જોઇએ. સાથે ઋતુ મુજબના ફળ તેમજ શ્રીફળ અર્પણ કરી ત્યારબાદ ઓમ પ્રાં પ્રીં સઃ શનેય નમ : અથવા બેમાંથી કોઇ એક મંત્રની એક અથવા ત્રણમાંથી કરવી જોઇએ.
પૂજન આરતી બાદ શનિદેવની પ્રિય એવી કાળા રંગની વસ્તુઓ જેમ કે કાળા વસ્ત્ર, કાળું કપડુ, કાળા અડદ, કાળી છત્રી, પગરખા લોખંડની વસ્તુનું દાન ગરીબ કે અશકત લોકોને આપી યથાશકિત ભોજન કરાવવું જોઇએ. આ સિવાય હનુમાન ચાલિસા, શનિ સ્ત્રોતનો પાઠ પણ શ્રેષ્ઠ ફળદાયી છે.

- text