હળવદ : ખનીજ ચોરીની લાલચે પાણીની પાઈપ લાઈનમાં તોડફોડ કરતાં ભૂમાફિયા

- text


પાણીની લાઈન તૂટતા માનગઢવાસીઓ અડધા મહિનાથી તરસ્યા

હળવદ : માનગઢ ગામનાં લોકોને પીવાનું પાણી મળી રહે તેની પાઈપ લાઈન પાણી પુરવઠા બોર્ડ દ્વારા બ્રાહ્મણી નદીનાં પટમાંથી પસાર કરવામાં આવી છે. બ્રાહ્મણી નદીમાં ભૂમાફીયાઓ અવારનવાર ખનીજ ચોરી કરતાં હોય છે. આ સમયે ભૂમાફિયાઓએ રેતી ભરવા સમયે પાણીની લાઈનમાં તોડફોડ કરતાં માનગઢ ગામ છેલ્લાં પંદર દિવસથી પાણી વિહોણું તરસ્યું છે જે કારણે ગામવાસીઓને ભારે હાલાકી ભોગવી પડી છે.
ગામના આગેવાનોના જણાવ્યાં અનુસાર ખનીજચોરી કરતાં ભૂમાફિયાઓને કારણે માનગઢવાસીઓને છતા પાણીએ તરસ્યું રહેવું પડ્યું છે. આથી લોકો રોષે ભરાયા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૂટેલી પાણીની લાઈન સત્વરે રિપેર કરી પાણી વિતરણ શરુ કરવામાં આવે એવી માંગ છે.
ઊનાળાની કારજાળ ગરમીમાં એક તરફ ક્યાંક પાણીની તંગી સર્જાણી છે તો ક્યાંક ભૂમાફિયાઓનાં આતંકને કારણે પાણી વેડફાઈ જાય છે. આ અંગે પ્રસાશન કેટલાં ઝડપી અને કિંમતી પગલાં લેશે એ તો સમય જ નક્કી કરશે પરંતુ મોરબી જિલ્લામાં હાલનાં સમયમાં પાણી વિતરણ બાબતે તંત્રની લાપરવાહી જ્યાં જુઓ ત્યાં સામે આવી રહી છે જે અત્યંત ગંભીર અને રોષપૂર્ણ બાબત છે.

- text