મોરબી સિરામિક ઉદ્યોગે GST ઘટાડવા અરુણ જેટલીને શું રજૂઆત કરી ? વાંચો અહીં..

મુખ્યમંત્રી રૂપાણી અને નિતીન પટેલને પણ આ મામલે કેન્દ્રમાં રજૂઆત કરવા જાણ કરાઈ

મોરબી : સિરામિક પ્રોડક્ટ પર ૨૮ ટકા જીએસટી ટેક્સ લગાડાતા સિરામિક નિર્મિત વસ્તુઓ જેમ કે, સિરામિક વોલ, વિકટ્રીફાઇડ, ફ્લોર ટાઈલ્સ અને સેનેટરીવેર વગેરે મોંઘા બનશે. જેથી આમ આદમીનું ઘરનું ઘર બનાવવાનું સપનું માત્ર સપનું જ રહી જશે. આટલું જ નહીં પરંતુ સરકાર દ્વારા લગાવાયેલા ૨૮ ટકા જીએસટીથી સિરામિક વેપારીઓને કમ્મરતોડ નુકસાની થવાનું નક્કી છે. ત્યારે મોરબી સિરામિક એસો. દ્વારા ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીને લેખિતમાં સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલા ૨૮ ટકા જીએસટીને અયોગ્ય ગણાવી GSTના દર ઘટાડવાની માંગણી કરી છે. સાથે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને નિતીન પટેલને કેન્દ્રમાં રજૂઆત કરવા જાણ કરાઈ છે.

મોરબીનાં સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી કુંડારિયા, નીલેશભાઈ જેતપરીયા અને પ્રફુલભાઈ દેત્રોજાએ સિરામિક ઉદ્યોગ પર ૨૮ ટકા જીએસટી દર ગેરવાજબી હોવાની રજૂઆત સાથે ભારત સરકારનાં નાણામંત્રી અરુણ જેટલી તથા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિતમાં આવેદન પાઠવી સીરામીક પ્રોડક્ટ પર લાગુ કરાયેલ GSTનો ૨૮ ટકા દર ઘટાડવાની માંગણી કરાઈ છે. મોરબી સીરામીક એસોસિયેશનને પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ઉદ્યોગ દેશનાં ૯૦ ટકા ટાઈલ્સ અને સેનેટરી પ્રોડક્ટનું ઉત્પાદન કરી ચીનને ટક્કર આપી સસ્તાભાવે શ્રેષ્ઠ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. સિરામિક ઉદ્યોગ અગાવથી જ વધુ પડતો ટેક્સ ભરતો આવ્યું છે એ સમયે જીએસટી દ્વારા વેપારીઓને ભોગવાનો વધુ પડતો ટેક્સ મોંઘવારી અને નુકસાનીનું વાતાવરણ ઊભું કરશે. જયારે ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે ત્યારે એ અભિયાનનાં ભાગરૂપે તેમાં ઉપયોગમાં લેવામાં આવતાં ટોઈલેટ અને ટાઈલ્સ સાથેનું તમામ સેનેટરી પ્રોડક્ટનું નિર્માણ મોરબી કરતુ હોય એ સમયે સરકારે સિરામિક ઉદ્યોગ પર લદાયેલો વધુ પડતો જીએસટી ટેક્સ ઘટાડી ૧૨ અથવા તો ૧૮ ટકા સ્લેબમાં રાખવો જોઈએ સીરામીક પ્રોડક્ટની જેમ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી અન્ય પ્રોડક્ટ જેમ કે માર્બલ અને ગ્રેનાઈટો પર ૧૨ ટકા, લેમિનેટ ઉપર ૧૮ ટકા, આર્ટિફિશ્યલ સ્ટોન પર પાંચ ટકાના દર લાગુ કરાયા છે. ત્યારે સિરામિકની પ્રોડક્ટને લક્ઝરી કેટેગરીમાં ગણીને તેના ૨૮ ટકા જીએસટીદર લાગુ કરાયો છે. જયારે હાલમાં સીરામીક ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટ માત્ર પૈસાદારો જ ઉપયોગમાં લે છે એવું નથી. આજે તમામ વર્ગ પોતાના સપનાના ઘરમાં સિરામિક ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટનો ઉપયોગ કરતો થઇ ગયો છે. આથી સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલો ૨૮ ટકા જીએસટી દર તદ્દન ગેરવાજબી કહી શકાય તેમ હોય તાત્કાલિક આ નિર્ણયમાં ફેરફાર કરવો એવી માંગણી કરતી અરજી સિરામિક એસો. વતી કરવામાં આવી છે.