મોરબી પાલિકાના પમુખ-ઉપપ્રમુખ સામે ૨૨ સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત

- text


- text

કોંગ્રેસના સભ્યોએ દરખાસ્ત મૂકી

મોરબી : મોરબી નગરપાલિકામાં હાલની ડામાડોળભરી રાજકીય સ્થિતીની વચ્ચે પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના ૨૨ જેટલા સદસ્યોએ આજે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકતા ફરીથી નગર પાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાવાની સ્થિતિ ઉભી થઇ છે.
મોરબી નગરપાલિકામાં હાલ ભાજપના સદસ્યોના ટેકાથી પાલિકામાં વિકાસ સમિતિ સતા ચલાવી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી સત્તા અને વિરોધ બંને પક્ષે વારંવાર સદસ્યોની આવ-જાવ રહેતા પાલિકામાં રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. હાલ પાલિકામાં વિચિત્ર રાજકીય સ્થિતિ છે. જેમાં મૂળ કોંગ્રસી સદસ્ય ભાજપના ટેકાથી પ્રમુખપદે બિરાજમાન છે જયારે ઉપપ્રમુખ પદે મૂળ ભાજપના સદસ્ય કોંગ્રેસના ટેકાથી ચુંટાયા છે. આવી રાજકીય અસ્થિરતાની વચ્ચે આજે મોરબી નગરપાલિકાના કુલ બાવન સદસ્યોમાંથી કોંગ્રેસના ૨૨ સદસ્યોએ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સામે વહીવટી અણઆવડત, વિવિધ સમિતિઓની રચના કરવામાં નિષ્ફળતા અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાનું કારણ બતાવી અવિશ્વાસની દરખાસ્ત મુકતા ફરીથી રાજકીય માહોલ ગરમાયો છે. નિયમ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે જરૂરી ૩૩ ટકા સભ્યના સમર્થન સાથે હાલ કોંગ્રેસે પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ અને ઉપપ્રમુખ અનિલ મહેતાને હોદા પરથી દુર કરવાની દરખાસ્ત મુકાય છે. જોકે થોડા સમય પેહલા જ કોંગ્રેસે જ અનિલ મહેતાને ઉપપ્રમુખ બનાવ ટેકો આપ્યો હોવા છતાં તેમની સામે પણ અવિશ્વાસની દરખાસ્ત મુકતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. હાલ તો કોંગ્રેસે પ્રમુખ-ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. હવે નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત મુક્યા ના ૧૫ દિવસની અંદર પાલિકા પ્રમુખે બોર્ડ બોલવાનું હોય અને તેમાં અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવા માટે ૬૬ ટકા સભ્યોનું એટલે કે બાવન માંથી ૩૫ સદસ્યોનું સમર્થન હોવું જરૂરી છે. ત્યારે પાલિકા પ્રમુખ- ઉપપ્રમુખ સામે મુકેલી અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવા કોંગ્રેસ ૩૫ સભ્યોનું સમર્થન કેવી રીતે મેળવે છે તે જોવાનું રહ્યું.

- text