મોરબી : ત્રણ સિરામિક કંપનીઓમાં એક્સસાઈઝ ચોરીની શંકાએ તપાસ

ડીજીસીઈઆઈની પ્રાથમિક તપાસમાં ૨૫ કંપનીઓ સાથેનાં ફેક્ટરીથી સીધા વેચાણનાં વ્યવહારો અને શ્રોફ તથા આંગળીયા પેઢીનાં ગેરકાયદેસર કારનામાઓની ખુલ્લી પડી પોલ

મોરબી : રાજકોટ-અમદાવાદ ડીજીસીઈઆઈનાં અધિકારીઓએ બુધવારે એસ.આર.પી. બંદોબસ્ત સાથે સિરામિક ટાઈલ્સનાં ટ્રેડર અને બે ફેક્ટરીઓ તથા તેમના ડાયરેક્ટરનાં ઘર પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જે દરમિયાન એક્સસાઈઝ ચોરીનું સાહિત્ય અને ૨૫ કંપનીઓ સાથેનાં વ્યવહાર થકી કરોડો રૂપિયાની ચોરી બહાર આવવાની શક્યતા સાથે શ્રોફ અને આંગળીયાનાં વ્યવહારોને આધારે એક પછી એક બધા આરોપીઓને સકંજામાં લેવાની તૈયારી ડીજીસીઈઆઈ દ્વારા શરુ કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવાયા મુજબ અમદાવાદનાં ચાર. ડે.ડાયરેક્ટર તથા ડીજીસીઈઆઈ રીજીયોનલ યુનિટનાં સ્ટાફે પૂરતા બંદોબસ્ત સાથે મોરબીની કુલદીપ સિરામિક, સનગ્લો સિરામિક તથા ગ્લોરી સિરામિક પ્રા.લિ. નામની ફેક્ટરી પર કાર્યવાહી કરી પ્રાથમિક તપાસમાં ખરીદ-વેંચાણનાં કાગળિયાં, આંગળીયાની ચિઠ્ઠીઓ તથા પેનડ્રાઈવ સાથેનાં ઈલેક્ટ્રિક ઉપકરણો કબજે લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ડીજીસીઈઆઈ દ્વારા આ સમગ્ર મામલે કરોડો રૂપિયાની એક્સસાઈસ ચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.