GST : સિરામિક પ્રોડક્ટને 28 % સ્લેબમાં રાખતા સિરામિક ઉદ્યોગમાં નારાજગીનું વાતાવરણ

સિરામિક એસો. પ્રમુખ દ્વારા સિરામિક ઉદ્યોગનાં ઉત્પાદન અને પ્રદાનને ધ્યાને લઈ જીએસટી ટેક્સને ૧૨ અથવા તો ૧૮ ટકાના સ્લેબમાં રાખવા માંગણી

મોરબી : હાલમાં જ જીએસટીની વેબસાઈટ પર જાહેર થયેલી યાદી મુજબ જીએસટી ટેક્સનાં સ્લેબ ૫, ૧૨, ૧૮, અને ૨૮ ટકા જાહેર થયા છે. જે યાદી હેઠળ મોરબીનાં સિરામિક ઉત્પાદકોને જીએસટી અંતર્ગત ભરવો પડતો કુલ ટેક્સ ૨૮ ટકા જાહેર થયા હોવાનું સીરામીક એસો. ના સૂત્રોએ જણાવ્યું છે. જે ખૂબ જ વધુ અને ગેરવાજબી કહી શકાય તેમ છે. કેમ કે, આજ સુધી મોરબીનાં સિરામિક વેપારીઓ ૫ ટકા ગુજરાત સરકારનો વેટ અને ૧૫ ટકા એક્સસાઈસ ડ્યુટી સાથે કુલ મળી ૨૦ ટકા ટેક્સ ભરતા આવ્યા છે એ સમયે જીએસટી હેઠળ ૨૮ ટકા ટેક્સ એટલે કે ૮ ટકા ટેક્સનો વધારો આવ્યો છે. જીએસટી ટેક્સનાં નવા સ્લેબ મુજબ આવનારા સમયમાં ૨૦ ટકામાંથી ૨૮ ટકા ટેક્સ ભરવા અંગે સિરામિક ઉત્પાદકોના વલણ જાણવા મોરબી અપડેટએ સિરામિક એસો. પ્રમુખ કે.જી. કુંડારીયા સાહેબ અને નિલેશ જેતપરિયા સાથે વાતચીત કરતાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,
મોરબી એટલે સિરામિકનું શહેર. જે શહેર દેશનાં ૯૦ ટકા બાંધકામને ટાઈલ્સ અને સેનેટરી પ્રોડક્ટ પૂરી પાડી ચીનની નબળી ગુણવત્તાને ટક્કર આપી સસ્તાભાવે શ્રેષ્ઠ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. સસ્તું, સારું અને ટકાવની ઓળખ ધરાવતું ઔદ્યોગિક શહેર મોરબીની સિરામિક પ્રોડક્ટ આજે દુનિયાનાં દરેક ઘર, ઓફીસ અને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતમાં મોરબીએ સિરામિકનું કેન્દ્ર છે. સિરામિક ઉદ્યોગ અગાવથી જ વધુ પડતો ટેક્સ ભરતો આવ્યું છે એ સમયે જીએસટી દ્વારા વેપારીઓને ભોગવાનો વધુ પડતો ટેક્સ મોંઘવારી અને નુકસાનીનું વાતાવરણ ઊભું કરશે.
ભારત સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે ત્યારે એ અભિયાનનાં ભાગરૂપે તેમાં ઉપયોગમાં લેવામાં આવતાં ટોઈલેટ અને ટાઈલ્સ સાથેનું તમામ સેનેટરી પ્રોડક્ટનું નિર્માણ મોરબી કરતુ હોય એ સમયે ગુજરાત સરકારે સિરામિક ઉદ્યોગ પર લદાયેલો વધુ પડતો જીએસટી ટેક્સ ઘટાડી ૧૨ અથવા તો ૧૮ ટકા સ્લેબમાં રાખવાની કેન્દ્રસ્તરે રજૂઆત કરવી જોઈએ. આ ઉપરાંત પણ સિરામિક ઉદ્યોગમાં મોરબીનાં ઉત્પાદન અને પ્રદાનને ધ્યાને લઈ જીએસટી ટેક્સ ૧૨ અથવા તો ૧૮ ટકા રાખવો જોઈએ. જીએસટી ટેક્સની નવી સ્લેબ યાદી મુજબ ૨૮ ટકા ટેક્સ ભરવા સામે મોરબી સિરામિક ઉત્પાદકો અને વેપારીઓ આવનારા સમયમાં કેન્દ્રસ્તરે રજૂઆત કરશે એવું મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.