રાજકોટ-મોરબી હાઈ-વે ફોરલેન થવા જઈ રહ્યો છે ત્યારે લજાઈ ગામના આગેવાનોએ રોડ કોંન્ટ્રાક્ટરને કરી રજુઆત

મહામંત્રી જતીન વામજા તથા લજાઈનાં સરપંચ મનસુખભાઈ અને હસમુખભાઈ મસોતની રજુઆત

સર્વિસ રોડ અને સ્લેબવાળા નાળાનું અંડર પાસમાં નિર્માણ લજાઈ ગામની અનેક સમસ્યાનું સમાધાન લાવી સુખ, સુવિધા અને સલામતિ વધારી શકે

મોરબી : રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવે ફોરલેનમાં રૂપાંતરીત થવા જઈ રહ્યો છે ત્યારે હાઈવે પર જ આવેલા લજાઈ ગામના સમગ્ર ગ્રામજનોની જરૂરિયાત મુજબ ગામના નાળાને અંડરપાસમાં રૂપાંતરીત કરવામાં આવે તેમજ જોગઆશ્રમ પાસે અંડર પાસ નાળુ બનાવી શક્ય હોય તો બંને બાજુ સર્વિસ રોડ પણ થાય ઉપરાંત ભિમનાથ મહાદેવ મદિર પાસે સ્લેબવાળું નાળુ અંડર પાસ બનાવવામાં આવે તેવી ટંકારા તાલુકાના મહામંત્રી જતીન વામજા તથા લજાઈનાં સરપંચ મનસુખભાઈ તથા હસમુખભાઈ મસોતની પેનલે રોડ કોંન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી.
આ રજુઆતમાં હાલ ભિમનાથ મહાદેવના મંદિરે જતુ નાળુ સ્લેબવાળુ નાળુ છે તો આ નાળાને અંડર પાસમાં રૂપાંતરીત કરવામાં આવે જેથી ગામનાં ખેડુતોને અને ગ્રામજનોને રસ્તો ઓળંગવાની કાયમી મુશ્કેલી ઘટે અને અકસ્માતની સંભાવના પણ ખુબ ઓછી થાય તેવું રોડ કોંન્ટ્રાક્ટરને સમજ આપી વર્તમાન સમસ્યાનો ચરિતાર્થ આપ્યો હતો. બીજી તરફ જોગ આશ્રમ પાસે હાલ કોઈ નાળુ નથી તો અહીં પણ અંડરપાસ નાળુ નાખવામાં આવે તેવી લોકલાગણી સાથે સુવિધામાં વધારો કરતુ સુચન ગ્રામજનો અને સરપંચ તરફથી મળતા તે અંગે રોડ કોંન્ટ્રાક્ટર કાર્ય કરશે તો લજાઈ ગામની સુખ-સુવિધા અને સલામતિમાં વધારો થશે. કેમ કે, લજાઈ ગામનાં લોકોનાં મોટાભાગના પ્રસંગો જોગ આશ્રમે ખાતે હોય નાના-નાના ભુલકાઓ તથા મહિલા, વૃદ્ધોને સમગ્ર ફોર-લેન રોડ ક્રોસ કરીને જવુ અત્યંત ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે. એ સમયે સર્વિસ રોડ તમામ સમસ્યાનું નિરાકરણ બનશે.