મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ પોતાની પડતર માંગણીના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય પગલા લેવા માંગ કરી છે.
મોરબી જીલ્લાના માળિયા મીયાણા સહિતના સસ્તા અનાજના દુકાનદારો એ આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. તમામ વ્યાજબીભાવના દુકાનદારોને અને ગરીબ તેમજ અભણ ખેડૂતોને સરકાર દ્વારા વારંવાર તંત્રના નિયમમાં કરવામાં આવતા ફેરફારોના લીધે પડતી મુશ્કેલી અંગે મોરબી જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. વ્યાજબીભાવના દુકાનદારો અને ગરીબ અભણ ખેડૂતને આધારકાર્ડ કે બેંક એકાઉન્ટ જેવા ડોકયુમેન્ટના વારંવાર બદલાતા નિયમ અને કમ્પ્યુટરમાં ખેડૂતોના અંગુઠાના નિશાન ન આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને સંચાલક અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે. અને જો વિતરણ વ્યવસ્થા સરળ કરવામાં નહી આવે તો તમામ વ્યાજબીભાવના દુકાનદારો વિતરણ વ્યવસ્થા બંધ કરી અને પોતાના લાઈસન્સ કલેકટરને પરત કરી દેશે. આથી આ સમસ્યાનો ઉકેલ સમયસર લાવવા તમામ દુકાનદારો અને ખેડૂતે મોરબી જીલ્લાના કલેકટરને રજૂઆત કરી હતી.