મોરબી : પાક વિમા યોજનામાં પ્રીમિયમની પઠાણી ઉઘરાણીથી ખેડૂતોમાં રોષ

મોરબીના કોંગી અગ્રણીની યોગ્ય પગલા લેવા માંગ

મોરબી : જગતનો તાત એક પછી એક મુશ્કેલીઓથી ઘેરાઈ રહ્યો છે ત્યારે વધુ એક આફત આવી છે. પાક વિમા યોજનાના પ્રીમિયમની પઠાણી ઉઘરાણી મામલે મોરબીના કોંગી અગ્રણીએ સરકારને આડે હાથ લઇ સરકારની આં નીતિ ખેડૂત માટે હાનીકારક હોવા છતાં અચ્છે દિનની દુહાઈ દેવામાં આવતી હોવાનું રોષભેર જણાવ્યું હતું.
મોરબી માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અને મોરબી જીલ્લા કોંગ્રેસ વિચારધારા સંગઠનના પ્રમુખ કે.પી.ભાગીયાએ જણાવ્યું હતું કે ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલી ભર્યા દિવસો પસાર કરી રહ્યા છે. અછત, અર્ધ અછત વિસ્તારોમાં સરકારની ઉદાસીનતાને કારણે પીવાના પાણી, ઘાસચારાની તંગી, પાક નિષ્ફળ અને નોટબંધી પછી ભયંકર નાણાભીડને કારણે ખેડૂતો આત્મહત્યા જેવા અવિચારી પગલા ભરી રહ્યા છે. ત્યારે રાષ્ટીયકૃત બેંકો પાસેથી લીધેલા ધિરાણ સામે વિમા યોજનાની પ્રીમીયમ ઉધાર મનફાવે તેમ લેવામાં આવે છે. ત્યારે તેમણે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતુ કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી પાક વિમા ધિરાણ મેળવવા ખેડૂતો પોતાની પાસબુકમાં ઉધારેલા પ્રીમીયમ અવશ્ય ચેક કરી લે અને નિયમ મુજબ થી વધુ રકમનું પ્રીમીયમ ઉધારેલ હોય કે રવી પાક ધીરાણ ન મેળવેલ હોય છતાં પ્રીમીયમ ઉધારેલ હોય તો તે રકમની વાંધા અરજી બેંકને પહોચાડવા માટે કમ્પ્લેઈન નંબર મેળવી લે જે થી એક સાથે કાનૂની કાર્યવાહી કરી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.