એક શિક્ષકની વિદાય વેળાની પળે ..આદિવાસી વિધાર્થી બોલ્યો…” સાહેબ મારે પણ તેમને કઇક આપવું છે..”

- text



ટંકારા તાલુકાનાં હડમતિયા (પાલણપીર ) ની કુમારશાળામાં શિક્ષકનો વિદાયનો કાર્યક્રમ હતો. વર્ષો સુધી ગામડાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને વિધાર્થીઓના વ્હાલા શિક્ષક આજે વયમર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા હતા. શાળાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ કાર્યનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે શાળાના મેદાનમાં ભેગા થયા હતા.
નિવૃત થઈ રહેલા શિક્ષકની સેવાઓ યાદ કરીને બધા પ્રવચનો કરી રહ્યા હતા અને નિવૃત જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યાં હતાં. પ્રવચનો પુરા થયાં એટલે શાળાના અન્ય શિક્ષકો સાથે મળીને આ શિક્ષકને સાલ તથા શ્રીફળ અને સાકરનો પળો આપ્યો કેટલાક વિધાર્થીઓ તેમના માટે જૂદી જૂદી ગિફ્ટ પણ લઇ આવ્યા હતા તે આપવામાં આવી. સામે બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક આદિવાસી વિધાર્થી ઉભો થયો અને શરમાતા બોલ્યો…..સાહેબ
” મારે પણ મારા તરફથી કઇક તેમને આપવું છે..”
શિક્ષકે તે છોકરાંને આગળ બોલાવ્યો અને કહ્યું કે….”બેટા તારે જે આપવું હોય તે આપ ” છોકરાએ પોતાનાં દફતરમાંથી એક નાનું લંચબોક્સ કાઢીને કહ્યું….” લો સાહેબ આ તમારા માટે હું ભાગ લાવ્યો છું ” બધાને આશ્ચર્ય થયું કે આ લંચબોક્સમાં આ બાળક શું લાવ્યો હશે…?
પોતાના વ્હાલા શિક્ષકે લંચબોક્સ ખોલ્યું તો તેમાં થોડી રોટલી અને ગોળ હતો. વ્હાલા શિક્ષકે તે બાળકને પુછયું કે….” બેટા તું મારા માટે રોટલી અને ગોળ કેમ લાવ્યો…?”
છોકરાએ આંસુ સાથે કહ્યું….” હવે તમે આ નિશાળ છોડીને દૂર દૂર તમારા ગામમાં જશો તો તમને ભુખ લાગે તો તમે શું ખાશો…? ”
એટલે હું તમારા માટે ખાવાનું લાવ્યો છું.
મારો બાપ તો મને નાનો મુકીને જ મરી ગયાં હતાં. હું નિશાળમાં ભણવાં માટે આવ્યો અને તમે મારાં બાપનાં સ્વરૂપમાં મળ્યા.એક બાપ પોતાનાં દિકરાનું ધ્યાન રાખે તેમ તમે મને દિકરો સમજીને મારૂ ધ્યાન રાખ્યું એટલે મારી પણ ફરજ છે કે હું મારા બાપનું ધ્યાન રાખું. આજે માત્ર મારા શિક્ષક જ નહી પણ મારા બાપની પણ વિદાય છે. નાના છોકરાંની આ વાત સાંભળીને બધ઼ાંની આંખો ભીની થઇ ગઇ.
બીજા શિક્ષકે આ બાળકને ઉપાડી લીધો અને કહ્યું….” બેટા હવે અમે તારા બાપ બનીને તારૂં ધ્યાન રાખશું અને હંમેશાં મધ્યાહન ભોજનનું શુધ્ધ ભોજન પીરસશું….
** મિત્રો આ કોઇ વાર્તા નથી પણ એક સત્ય હકીકત છે હડમતિયા કુમાર શાળાનાં એક શિક્ષકની કે જેઓએ હંમેશા નાના કે મોટા આદિવાસીઓ, દલિતો, ઠાકોરો, કે અન્ય જાતીના બાળકોને ભરપૂર માં -બાપનો પ્રેમ આપ્યો છે તે બીજો કોઈ શિક્ષક નહીં પણ……..મહેન્દ્રભાઈ રાવલ સાહેબ છે.

- text

સંકલન : રમેશ ઠાકોર

- text