મોરબી જિલ્લા માં કૃત્રિમ રીતે પકવેલ કેરીના વેંચાણ પર પ્રતિબંધ

હાલ ઉનાળાની ઋતુ દરમિયાન કેરીના ફળનો પાક બજારમાં વેંચાણ માટે મૂકવામાં આવેલ છે. વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલ સમાચાર મુજબ આ ધંધાના વેપારીઓ નફો કમાવાની લ્હાયમાં અકુદરતી રીતે કેલ્શિયમ કાર્બાઇડની પડીકી અથવા ચાઇનીઝ ઇથિલીન પાવડર તેમજ ખેતીવાડીમાં વપરાતા ઇથેપોન સોલ્યુશન ના ફુવારા મારી કાચી કેરીને ઝડપથી પકવીને વેચાણમાં મૂકતા હોવાનું જણાયેલ છે.

કેલ્શિયમ કાર્બાઇડ/ ઇથિલીન પાવડર/ ઇથેપોન સોલ્યુશન એ એક પ્રકારનું રાસાયણિક ઝેર છે. આ રસાયણો દ્રારા કૃત્રિમ રીતે પકવેલ કેરીના ફળ ખાવાથી શરીરને જુદા-જુદા અંગોને નુકશાન થાય છે અને ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા રહે છે. આથી આવી રીતે પકવેલ કેરીના વેચાણથી લોકોના આરોગ્યને નુકશાન થતું અટકાવવા માટે તાત્કાલિક અસરથી મોરબી જિલ્લાના નગરપાલીકા વિસ્તાર તેમજ ટંકારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવી પ્રવૃત્તિ બંધ કરવા અને આવી રીતે કૃત્રિમ રીતે પકવેલ કેરીના વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવો આવશ્યક જણાતા પી.જી.પટેલ.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબીએ સને-૧૯૫૧ ક્રીમીનલ પ્રોસીજર કોડ-કલમ-૧૩૩(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના નગરપાલીકા વિસ્તાર તેમજ ટંકારા ગ્રામ પંચાયત વિસ્તારમાં તા. ૩૦/૬/૨૦૧૭ સુધી  કેરીનું વેચાણ કરતા વેપારી/ફેરીયાઓ એ કુદરતી રીતે જ પકવેલ કેરીના ફળોનું વેચાણ કરવાનું રહેશે., કેલ્શિયમ કાર્બાઇડ/ચાઇનીઝ ઇથિલીન પાવડર તેમજ ’ઇથેપોન સોલ્યુશન, ના ફુવારાથી પકવેલ કેરીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. અને આવા રાસાયણિક પાવડર/સ્પ્રે દ્રારા પકવેલ કેરીના સ્ટોકનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો. આ કામગીરી માટે સંબંધિત નગરપાલીકાના ચીફ ઓફિસરશ્રીઓએ તથા ટંકારા ગ્રામપંચાયતે ટીમો બનાવી વેંચાણ ઉપર ચાંપતી નજર રાખવા અને આવો સ્ટોક ગોડાઉનોમાંથી શોધી તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરાવવા અને ઉપરોક્ત સૂચનાઓના ચૂસ્તપણે અમલ કરવા હુકમ ફરમાવેલ છે.

આ જાહેરનામાનું ઉલ્લંધન કરનારને આઇ.પી.સી. કલમ-૧૮૮ તેમજ ૨૬૯ હેઠળ શિક્ષાને પાત્ર થશે.