ત્રણ ગામો દ્વારા મવડા નાબુદી અંગે રેલી કાઢી

- text


 

મોરબીમાં લાગુ કરવામાં આવેલ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે મવડા નાબુદી માટેની માંગ ફરી શરૂ થઇ છે. જયારથી મવડા લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વિવાદો ચાલી રહ્યા છે. અસંખ્ય આંદોલનો અને ભૂખ હડતાલો બાદ છેલ્લે મવડા માં રહેલ ત્રણ ગામો પણ અંદોલન ના માર્ગે ચાલ્યા છે. મવડા માં બાકી રહેલ માત્ર ત્રણ ગામો દ્વારા આજે મવડા નાબુદી અંગે રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબીમાં લાગુ કરવામાં આવેલ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ માં બાકી રહેલા ત્રણ ગામો માધાપર, વજેપર અને ત્રાજપર ગામના ખેડૂતો દ્વારા આજે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, માધાપર-વજેપર કિશાન સંઘ ના બેનર હેઠળ આ રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મવડા લાગુ કરવામાં આવ્યું ત્યારે મવડા માં 36 ગામનો સમાવેશ કરેલ બાદમાં ૩૩ ગામને મવડા માંથી દુર કરી માત્ર ત્રણ ગામનો જ સમાવેશ મવડા માં કરવામાં આવેલ. જેથી આ ત્રણ ગામો ને પણ મવડા માંથી દુર કરવામાં આવે અથવા અન્ય ગામોનો ફરી સમાવેશ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

લક્ષ્મણભાઈ કંઝારીયા, આગેવાન, માધાપર-વજેપર કિસાન સંઘ, મોરબી

” મવડામાં 36 ગામનો સમાવેશ કરેલો 2012 માં ત્યાર બાદ ત્યાર બાદ ૩૩ ગામો મવડા માંથી રદ કર્યા અને ફક્ત ત્રણ ગામ માધાપર, વજેપર અને ત્રાજપર મવડા માં રાખેલા હવે અમારો એ વિરોધ છે આ ત્રણ ગામ શા માટે? આ બાજુ અમરેલી, રવાપર અને શનાળા એ પણ નગરપાલિકાની અંદર આવે છે. અમારા ગામના શનાળા ગામ ઉપર અમારા સર્વે નંબર આવે છે. છતાં એને રાખે અને અંદર જે છે એને બહાર કાઢી નાખ્યા તો આવો ભેદભાવ શા માટે?”

આઈ. કે. પટેલ, કલેકટર, મોરબી

” એમની એવી માંગણી છે કે બીજા જે મોરબીના નજીકના ગામો ને સત્તા મંડળ માંથી દુર રાખવામાં આવ્યા છે ત્યારે માધાપર અને વજેપર ના ગામો છે તેને પણ શહેરી વિકાસ સત્તા મંડળ માંથી દુર કરવા જોઈએ અથવા તો નજીકના જે ગામો છે ફરી શહેરી સત્તા મંડળ માં સમાવેશ કરવો જોઈએ એવી માંગણી સાથે આજે રેલી નિકળી હતી અને એ રેલી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.”

 

રાજ્ય સરકારે 28 ઓગસ્ટ 2012 ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરવામાં આવી હતી. આ મવડા માં મોરબી આજુબાજુના 36 ગામો, વાંકાનેર શહેર અને તાલુકાના 16 ગામો અને ટંકારા તાલુકાના એક ગામનો સમાવેશ કરવામાં આવેલ. મવડાની રચના થતા તેની હેઠળ આવતા ગામો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મવડા માં સમાવિષ્ઠ ગામો દ્વારા સરપંચ એસોસીએશન ની રચના કરી મવડા નાબુદી ની જુંબેશ શરૂ કરી હતી. મવડા વિરુધ દેખાવો, રેલીઓ અને ભૂખ હડતાલ કરવામાં આવતા અંતે સરકાર જુકી હતી અને 12 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાત સરકારે એક નોટીફીકેશન બહાર પાડી મવડા માં સમાવેલ 36 ગામમાં માંથી ૩૩ ગામને દુર કર્યા હતા. આ નોટીફીકેશન બાદ મવડા માં મોરબીના માત્ર માધાપર, વજેપર અને ત્રાજપર એમ ત્રણ ગામનો જ સમાવેશ થાય છે. સરકાર દ્વારા આવો નિર્ણય કરવામાં આવતા આ ત્રણ ગામો સાથે હળાહળ અન્યાય થયો હોવાની ખેડૂતો લાગણી અનુભવી રહ્યા હતા.

- text

 

મીઠાભાઈ પરમાર, સ્થાનિક ખેડૂત

” અમારી ખેતી ને આ મવડા ની ઓફીસ થઇ એ પછી જે ગામડા હતા 35-36 ઈ બધાય ગામડા ને કાઢી નાખ્યા અને અમારા ત્રણ ગામ રાખ્યા એટલે અમને હળાહળ અન્યાય થયો છે. અમારી જે ખેતી છે માધાપર અને વજેપર એ મોરબી ને લગતી જ છે બાજુમાં એટલે એ લોકોએ અમને હળાહળ અન્યાય કર્યો છે. એટલે અમારે આ કરવું પડ્યું નો છુટકે.”

 

કાનજીભાઈ નકુમ, સ્થાનિક ખેડૂત

” મવડા લાગુ પડ્યું હાલ અમારે વાડી વિસ્તારમાં સૌ સૌના ખેતરમાં મકાન બનાવી ને રહીએ છીએ કોઈ પણ જગ્યા એ લાઈટ, પાણી અને રસ્તો મળતો નથી ઈ બાબતે સૌની સાથે રેલીમાં જોડાણા અને રેલી કાઢીને આવ્યા. મવડા માંથી કાઢો અથવા સૌને સાથે રાખો.”

 

માધાપર, વજેપર અને ત્રાજપર ના ખેડૂતો ની અને સ્થાનિકો ની એવી માંગ છે કે, મોરબીની આજુ બાજુ માં અમરેલી, રવાપર, લીલાપર અને શનાળા જેવા ગામો આવેલા છે તેના કરતા પોતાના ગામોના સર્વે નંબરો દુર છે અને અમરેલી, રવાપર અને શનાળા ગામ તો નગરપાલિકાની હદ વિસ્તારમાં આવે છે તેમ છતાં તેને દુર કરી માત્ર ત્રણ ગામને શા માટે રાખવામાં આવ્યા છે તેવો પ્રશ્ન કરી રહ્યા છે. આ રેલી એ જયારે પ્રસ્થાન કર્યુ ત્યારે રેલીના રૂટ પર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ ની જીલ્લા કારોબારી મીટીંગ ચાલી રહી હતી જેમાં કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલા ઉપસ્થિત હતા. રેલી સિધ્ધી માર્કેટિંગ યાર્ડ પહોંચી હતી અને પરસોતમ રૂપાલાને આવેદનપત્ર આપવા માંગણી કરી હતી પરંતુ રૂપાલા એ કારોબારી છોડી નિચે આવેદનપત્ર લેવા નહિ આવતા સ્થાનિકો એ થોડીવાર માટે ત્યાં હોબાળો બોલાવ્યો હતો બાદમાં સાંજે મીટીંગ કરાવી દેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવતા રેલી આગળ ગઈ હતી. હાલ તો મવડા માં સમાવેશ કરાયેલા ત્રણેય ગામો ની એવી માંગ છે કે કા ફરી બધા 36 ગામોને મવડા માં સમાવો અથવા મોરબીના મધ્યબિંદુ થી પાંચ કિલોમીટર ની ત્રિજ્યા માં આવતા તમામ ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવે અને જો તેમ ન કરવામાં આવે તો સમાવેશ કરાયેલા ત્રણેય ગામોને મવડા માંથી મુક્તિ આપવામાં આવે. જો આવનારા સમય માં આ માંગણી સ્વીકારવામાં નહિ આવેતો હજી ઉગ્ર અંદોલન કરવાની ચીમકી પણ ઉચારવામાં આવી છે.

 

 

 

- text