શિક્ષક ક્યારેય હારતો નથી : કોરોનાના પગલે સ્કૂલો બંધ થતા મોરબીના યુવા શિક્ષકે અપનાવી ખેતી

- text


પાકના ‘ફાર્મર ટુ કસ્ટમર’ વેચાણના નવતર વિચાર સાથે વારસાગત ખેતીના વ્યવસાયને આધુનિક ઓપ આપવા તત્પર

‘ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે.’ કહેવત તો જ ખોટી સાબિત થશે જો વચેટિયાઓ નહિ હોય : દિનકરભાઈ પંડ્યા


મોરબી : મોરબીના રહીશ પંડ્યા દિનકર વિનોદરાયએ એમ.એ. તથા બી.એડની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમજ તેમણે ટાટની પરીક્ષા પણ પાસ કરેલ છે. તેઓ લોકડાઉન પહેલા મોરબીની ખાનગી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ધો. 11 અને 12માં કોમર્સ સ્ટ્રિમમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ કોરાનાના કારણે માર્ચ મહિનાના અંતથી સ્કૂલોને ચાલુ રાખવા પર પ્રતિબંધ આવી ગયો. જે પ્રતિબંધ હજુ સુધી યથાવત છે. હવે સ્કૂલો ક્યારે ચાલુ થાશે, તે પણ ચોક્કાસપણે કહી શકાય તેવું નથી. જો કે હાલમાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ દિનકરભાઈને ઓનલાઇન એજ્યુકેશન સિસ્ટમ અનુકૂળ ના આવતા તેમણે સ્કૂલમાં રાજીનામું આપી દીધું અને તેઓ વારસામાં મળેલ ખેતીના વ્યવસાયમાં જોડાયા છે.

વારસાગત ખેતીના વ્યવસાયને આધુનિક ઓપ આપવાની તત્પરતા

દિનકરભાઈ પંડ્યાને થોડો-ઘણો ખેતી વ્યવસાયનો અનુભવ હોવાથી વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો. તેઓએ શરૂઆતમાં જ પાકના ‘ફાર્મર ટુ કસ્ટમર’ વેચાણના નવતર વિચાર સાથે વારસાગત ખેતીના વ્યવસાયને આધુનિક ઓપ આપવા તત્પરતા દાખવી. આથી, તેઓએ વર્ષ દરમિયાન ખેતીમાં વાવેતર કરવા ઉત્પાદનનો ખર્ચ ઘટાડવા છતાં ઉત્પાદન કેમ વધારવું તે અંગે રણનીતિ તૈયાર કરી. તેમજ એક જ જમીનમાં એક વર્ષમાં એક કરતા વધુ પાક લઇ શકાય, તેવું આયોજન કર્યું. આમ તો તેઓ કોમર્સના શિક્ષક તો ખરા ને! દિનકરભાઈએ સૌપ્રથમ મગફળીનું વાવેતર કર્યું. જેથી, શિયાળા દરમિયાન રવિ પાક લઈ શકાય.

જાત-મહેનતથી વાવેલા પાકના વળતર માટે ડાયરેક્ટ સેલિંગનો વિચાર

આ ઉપરાંત, ખેતરમાં દિવસ-રાત જોયા વિના કરેલી જાત-મહેનતથી વાવેલા પાકનું પૂરતું અને યોગ્ય વળતર મળે, તે માટે દિનકરભાઈએ ખેતીના પાકનું ડાયરેક્ટ (ફાર્મર ટુ કસ્ટમર) સેલિંગ કરવાનું આયોજન કર્યું છે. જેમ કે તેમણે મગફળીના પાકનું વેચાણ વેપારીને નહિ કરવાનું પણ મગફળીના પાકમાંથી તેલ તૈયાર કરાવી ગ્રાહકના ઘરે તેલના ડબ્બા પહોંચાડીને વેચાણ કરવાનું નક્કી કર્યું છે. તેમજ શિયાળામાં ઘઉંનું વાવેતર કરી, તે ઘઉં સાફ કરાવી 40 કિલોગ્રામના કટા (બાચકા) તૈયાર કરીને ગ્રાહકના ઘર સુધી પોંહચાડવાનું વિચાર્યું છે.

- text

પાકના ‘ફાર્મર ટુ કસ્ટમર’ વેચાણ પદ્ધતિના ફાયદા

ફાર્મર ટુ કસ્ટમર ડાયરેક્ટ સેલિંગના વિચારથી પાકના ઉત્પાદન અને ગ્રાહકને માલ પહોંચવા સુધીની પ્રક્રિયા દરમિયાન જે નફો અન્ય વેપારીઓ લઈ જાય છે. તેનો લાભ ખેડૂતને જ મળે. આ ઉપરાંત, ગ્રાહકોને સસ્તી અને સારી વસ્તુ ઘર બેઠા મળી શકે. તેમજ ગ્રાહકોને કાયમી ગ્રાહક બનાવીને ગ્રાહકો સાથેનું નેટવર્ક વધારીને ભવિષ્યમાં તેના ઓર્ડર મુજબ ખેતીમાં ઉત્પાદન કરવું. જેથી, ખેડૂતોને સારી આવક પ્રાપ્ત થાય આમ, આવા ઉમદા આશયથી દિનકરભાઈ પંડ્યાએ શિક્ષણનો વ્યવસાય છોડી કૃષિ ક્ષેત્રે ઝંપલાવ્યું છે.

કોરોનાના પગલે જગતગુરુ અને જગતતાત સૌથી વધુ હાલાકી ભોગવી રહ્યો છે. : દિનકરભાઈ પંડ્યા

દિનકરભાઈ પંડ્યાએ ડાયરેક્ટ સેલિંગ અંગે જણાવ્યું છે કે, “વર્તમાનમાં કોરાના વાયરસની વૈશ્વિક મહામારીમાં તમામ ક્ષેત્રોમાં ફટકો પડ્યો છે. પરંતુ કોરોનાના પગલે જગતગુરુ (શિક્ષક) અને જગતતાત (ખેડૂત) સૌથી વધુ હાલાકી ભોગવી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શિક્ષણ અને કૃષિ, આ બંને ક્ષેત્રોમાં ઘણા સુધારા-વધારા કરવાની જરૂરિયાત છે. ‘ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે.’ આ કહેવત તો જ ખોટી સાબિત થશે, જો વચેટિયાઓ નહિ હોય. ખેતરમાં ઉત્પાદિત થયેલ ખાદ્ય પાક સીધો ગ્રાહકને મળતો થવો જોઈએ. તો ધરતીપુત્રોને સામાન્ય કરતા વધુ આવક પ્રાપ્ત થશે અને ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવી શકશે!”


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text