કરારી ખેતી બિલનો મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ, બિલ તાકીદે રદ કરવાની માંગ સાથે આવેદન અપાયું

મોરબી : ગઈકાલે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં લોકસભા અને રાજ્યસભામાં ‘કરારી ખેતી બિલ’ પાસ થયું, તેને રદ કરવા માટે કલેકટરને આવેદન પત્ર પાઠવી એ બિલને રદબાતલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે જીલ્લા કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી અને અન્ય યુવા આગેવાનો હાજર રહ્યા હતા.

આ લેખિત રજુઆતમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે કે ભારત સરકાર દ્વારા જે ત્રણ કાયદા બહાર પાડ્યા છે તે કરારી ખેતી કહી શકાય. ભારતમાં ખેડૂતોને કોઈ ખેતી કરવી કે નહીં તેની ખેડૂત ને સ્વતંત્રતા છે જ, તેને ફરજ પાડી શકે નહિ. ખેડૂત સાથે આ કરાર કરનારમાં પેપ્સી, એસ્કોર્ટ્સ, ડીસીએમ જેવી વિદેશી કંપનીઓ પણ હોઈ શકે અને ઉત્પાદન તથા વેચાણ પર વગેરે બધી બાબતો પર તેમનો અંકુશ રહેશે અને ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેતા પાકનો સારો બોલી ભાવ મળવો ખેડૂત માટે મુશ્કેલી ઉભી કરશે. જો કંપની દ્વારા ઈજારો થાય તો સોદા શક્તિને અસર પહોંચે અને આ સામે લડવા માટે ખેડૂત સહકારી મંડળી કે સંગઠનનો સાથ સહકાર લેવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય. કરારી ખેતી કરનારી એકપણ કંપની હાલ સજીવ ખેતી કરનારી હોઈ તેવું જાણમાં નથી.

આ કરારની બીજી અસરમાં વિદેશી કંપનીઓ દ્વારા સંગ્રહખોરી વધશે. જે દેશના અર્થતંત્ર માટે નુકશાનકારક પણ થઈ શકે છે. ભારતના બંધારણમાં રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ-39 બીમાં “સમાજ ની ભૌતિક સાધન સામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ લોકહિત ઉત્તમ રીતે સધાય તે રીતે થાય” તથા કલમ-39 સીમાં “અર્થતંત્રનું સંચાલન સંપતિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ લોકહિતને નુકશાન કરે તે રીતે ન થાય”. આ કલમ મુજબ “કરારી ખેતી વટહુકમ” સાથે કોઈ લેવા દેવા નથી તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે, તેમ રજુઆતમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate