મોરબી જિલ્લા માટે રૂ. 97 કરોડની પાણી પૂરવઠા યોજનાઓના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

- text


આ યોજના મોરબી માટે ફાયદાકારક અને સિરામીક ઉદ્યોગથી વિદેશી હુડિયામણ મેળવતું મોરબી વધુ સમુદ્ધ થશે તેવી અપેક્ષા CM વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી

મોરબી : મોરબી શહેર તેમજ જિલ્લા માટે પાણી પુરવઠા હેઠળના પેકેજની યોજનાનું ઈ-લોકાર્પણ અને બ્રાહ્મણીડેમ આધારીત NCD-૪ ગૃપ સુધારણાની રૂ.૭૯ કરોડની યોજનાના ઈ-ખાતમુહૂર્ત વીડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરી વિસ્તારનો મોરબી ટાઉનહોલ ખાતે જિલ્લા કલેકટર જે.બી.પટેલની ઉપસ્થિતીમાં તેમજ ગ્રામ્ય વિસ્તરનો હળવદ તાલુકાના ચરાડવા તેમજ સમલી ગામ ખાતે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ – ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોચાડીને સૌના તંદુરસ્ત સ્વસ્થ જીવન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂ. ૧૯ કરોડની યોજનાનો ઇ-લોકાર્પણ તેમજ બ્રાહ્મણી ૧ અને ૨ ડેમ આધારિત NCD-૪ ગ્રૂપ સુધારણાની રૂ. ૭૯ કરોડની યોજનાના ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતુ. એક જ દિવસમાં રૂ. ૯૭ કરોડના વિકાસ કામોની ભેટ ગાંધીનગર ખાતે તેમણે મોરબીને આપી હતી.

પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ સચિવ ધનંજય દ્વિવેદી પણ આ અવસરે ગાંધીનગરથી તેમજ મોરબી ખાતે ભાજપા અગ્રણીઓ, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં નાગરિકોને પાણી માટે બોર કરાવવા પડતા, ડંકી-હેન્ડ પંપ દ્વારા પાણી મેળવવું પડતું અને એક બેડા પાણી માટે ગામડાની બહેનોને દૂર-દૂર જવું પડતું. ‘’આપણે હવે એ સ્થિતિને, પાણીના દુકાળને ભૂતકાળ બનાવી, સૌની યોજનાથી ૧૧૫ ડેમ નર્મદા જળથી ભરીને સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડ્યું છે ’’ એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં આ લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂરો કરી તમામ ગામો, ઘરોને નળથી જળ આપવું છે. આગામી તા.૨ ઓક્ટોબરે રાજ્યના પાંચ જિલ્લા ‘નલ સે જલ’નો ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરશે તે પછી સમગ્ર રાજ્યમાં આ લક્ષ્ય પૂર્ણ કરવાની નેમ છે.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના આ કાળમાં પણ રાજ્યની વિકાસયાત્રા અટકવા દીધી નથી અને કોરોના સામે, કોરાના સાથે સંપૂર્ણ સતર્કતાથી આગળ વધતાં ચાર મહિનામાં રૂ. ૧૦,૪૭૧ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા છે તેમ પણ ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ મોરબી શહેર અને જિલ્લામાં પાણીની અછત ન રહે અને પૂરતું પાણી મળી રહે તે માટે સમગ્રતયા રૂ. ૧૫૧ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપેલી છે તેમ ઉમેર્યું હતું. આ યોજના મોરબીની જહોજલાલીને પુન:પ્રસ્થાપિત કરશે અને સિરામીક ઉદ્યોગથી વિદેશી હુડિયામણ મેળવતું મોરબી વધુ સમુદ્ધ થશે તેવી અપેક્ષા વિજયભાઇ રૂપાણીએ વ્યક્ત કરી હતી.

પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, રાજ્ય સરકારે ગામે ગામ પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલોજી યુક્ત મેપીંગ કર્યું છે. જૂથ પાણી પૂરવઠા યોજના, પાણી ન મેળવતા ગોમો, જૂથ પાણી પૂરવઠા સિવાય પાણી મેળવતા ગામો એમ વિવિધ ટેલિસ્કોપીક મેપીંગથી પાણી પૂરવઠાનું સુદઢ યોજન કર્યું છે તેની ભૂમિકા તેમણે આપી હતી. મોરબીની આ યોજનાથી ૭૯ ગામો અને ૭ પરાને પાણી સુવિધા મળતી થશે તેનો આનંદ તેમણે દર્શાવ્યો હતો.

- text

મોરબી ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે મોરબી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જીનિયર નરેન્દ્રભાઇ પંડયા દ્વારા સૌનું સ્વાગત કરાયું હતું. બાદમાં મોરબી જિલ્લાની પાણીની વિગત આપતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી જિલ્લા કલેકટર જે.બી.પટેલે કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તેમજ કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયોતિસિંહ જાડેજા, પાણી પુરવઠા વિભાગના ચીફ એન્જીનીયર એલ.જે.ફુફલ, કાર્યપાલક ઇજનેરશ્રી શશી વાઘેલા, નાયબ કાર્યપાલક ઇજનેર જયવંતસિહ જાડેજા, મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, ખ્યાતિબેન સહિત ભાજપ અગ્રણી દુલર્ભજીભાઇ દેથરીયા, પ્રદિપભાઇ વાળા, અરવિંદભાઇ સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ સિમિત સખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text