હળવદમાં પોણા બે ઈચ વરસાદ, મંગળપુરમાં રહેણાંક મકાન પર વીજળી પડી

- text


હળવદમાં મોસમનો ૭૨૬ મી.મી. વરસાદ નોંધાયો : ગતરાત્રીના જોરદાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો હતો વરસાદ

હળવદ : હળવદ તાલુકામાં ગઈકાલે રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ બનાવો સામે આવ્યા હતા. તેમજ તાલુકાના મંગળપુર ગામે રહેણાંક મકાન પર વીજળી પડતાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદને લઇ વીજપુરવઠો પણ થોડીવાર માટે ખોરવાયો હતો. તેમજ વરસાદને લઇ ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

હળવદ તાલુકામાં ગઇકાલે આખો દિવસ બફારો રહ્યા બાદ મોડી સાંજના ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને માત્ર ૨૦ મિનિટની અંદર જ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. સાથે વીજળીના પણ કડાકા-ભડાકા થઈ રહ્યા હતા. તેમજ આ તાલુકાના મંગળપુર ગામે રહેતા પ્રેમજીભાઈ શંકર ભાઈ પાટડીયાના ઘર પાસે વીજળી પડતાં ઘરની દિવાલ અને ઘરવખરીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

વરસાદને લઇ હળવદમાં વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. જો કે પીજીવીસીએલ અધિકારીઓ દ્વારા થોડીવાર બાદ વીજપુરવઠો પુન: કાર્યરત કરાયો હતો. અત્યાર સુધીમાં હળવદમાં મોસમનો કુલ ૭૨૬ મી.મી. વરસાદ નોંધાયો છે. સાથે ગઈકાલે પડેલા વરસાદે ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કારણ કે હાલ અત્યારે ખેડૂતોનો પાક ખેતરમાં છે. તેવા સમયે વરસાદ વરસતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની દહેશત સર્જાઇ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text