અપૂરતી પ્રાથમિક સુવિધા અને દારૂના બેફામ વેચાણ બાબતે ગ્રામજનોની કલેકટરને રજુઆત

- text


વિરપર ગામના જાગૃત નાગરિકોએ કલેકટરને મેઈલ કરી રજુઆત કરી

મોરબી : ટંકારા તાલુકાના વિરપર ગામના લોકો પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા, રોડ-રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓથી હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ દારૂ, જુગાર, ચોરી, ગેરકાયદેસર બાંધકામ જેવી બદીઓના કારણે હેરાન-પરેશાન છે. આ સમસ્યાઓને લઈને જે તે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા સમસ્યાના નિવારણ માટે કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાની કલેક્ટરને મેઈલ દ્વારા રજુઆત કરવામાં આવી છે.\

વિરપર ગામના લોકોએ મેઇલમાં જણાવ્યા અનુસાર વિરપર ગામમા રોજ દારૂનું વેચાણ ખુલેઆમ થાય છે. ગામમાં જ્યાં જુએ ત્યાં કચરાના ઢગલા છે. સ્વચ્છતાના નામે મીંડું છે. ગામમાં સ્ટ્રીટ લાઈટના કોઈ ઠેકાણા નથી. અમુક સ્ટ્રીટ લાઈટો બંધ છે, તો ચાલુ સ્ટ્રીટ લાઈટો દિવસમાં પણ ચાલુ રહે છે. ગામના અને ખેતરના તમામ રસ્તાઓ બિસમાર હાલતમા છે. ગામમાં કેટલા પરપ્રાંતીયો ભાડે રહે છે, એ વિષે પંચાયત પાસે કાંઈ માહિતી નથી. અને મોટા ભાગના પરપ્રાંતીય ભાડૂતીઓ દારૂ વેચવાનો ધંધો કરે છે. ગામની આજુબાજુમા માસ, મટન અને દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.

આ ઉપરાંત, ગામમા ચોરીના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે. ગામમા કોણ તલાટી મંત્રી છે ને કોણ ગ્રામ સેવક છે, ક્યારે આવેને ક્યારે જાય છે એની કોઈ પાસે કાંઈ માહિતી નથી. ગામમા ઢોરને પાણી પીવા માટેના અવાળા અને ગામ લોકોને પીવા માટેના પાણીના ટાકાની ક્યારેય સાફ-સફાઈ કરાતી નથી. ગામની આજુબાજુ આવેલ ઇન્ડસ્ટ્રીઝ વાળા ગમે ત્યાં કચરો ફેંકે છે અને કચરો સળગાવે છે. જેના લીધે રાત્રીના સમયે ગામમા અતિ દુર્ગંધ આવે છે. અને ગામ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

વધુમાં, ગામના ખરાબામા આડેધડ મોટા પ્રમાણમા ગેરકાયદેસર ખોદકામ કરીને માટી ઉપાડવાનું કામ છેલ્લા કેટલાય સમયથી ચાલુ છે. જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવતો નથી. ગામની વચ્ચેથી પસાર થતા હાઇવેની બન્ને બાજુ જાહેરાતના તોતિંગ હોર્ડિંગ મને ફાવે ત્યાં લગાવી દેવામા આવ્યા છે. જે ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમરૂપ છે. ગામની ફરતે બાવળનું જંગલ થઈ ગયું છે, જે રાત્રીના સમયે જોખમરૂપ છે.

- text

આ અંગે ગ્રામજનોએ વધુ જણાવ્યું છે કે વિરપર ગામમા આવી અનેક સમસ્યાઓ છે. આ અંગે ગામ લોકોએ અનેકવાર રજુઆત પણ કરી છે. પણ તંત્રને કામ કરવામાં કે ગામલોકોને જવાબ આપવામાં કાંઈ રસ નથી. તંત્રને તો માત્ર ખિસ્સા ભરવામાં રસ છે. ગામના વિકાસના કામોમા સરકાર દ્વારા લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા આવે છે. જે ગ્રાન્ટ અધિકારીઓ ના ખિસ્સામા જતી રહે છે. વિકાસના કામોમા મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. જો યોગ્ય તપાસ કરવામા આવે તો મોટા ભ્રષ્ટ અધિકારીઓના નામ પણ ખુલી શકે છે. આમ, પ્રાથમિક સુવિધાના અભાવ અને અસામાજિક તત્વોના ત્રાસથી વિરપરના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કલેકટરને મેઈલ કરી આ બાબતે યોગ્ય કરવાની માંગણી કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text