કોંગ્રેસનો ભાજપ પર વળતો પ્રહાર, પાલિકાનું બજેટ નામંજૂર થવા માટે ભાજપ જવાબદાર

- text


મોરબી નગરપાલિકામાં લોકોને પ્રાથમિક સુવિધાથી વંચીત રાખવામાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખના મગરના આંસુ : રામજીભાઇ રબારી

મોરબી : થોડા દિવસ પહેલા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ મોરબી નગરપાલિકાના કામોમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના મતે નગરપાલિકાનું બજેટ મંજુર ના થતાં કોંગ્રેસના પાપે આ કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી. ત્યારે આજે કોંગ્રેસે પાલિકાના બજેટની નામંજૂરી માટે પ્રયાસો કરાતા હોવાનો ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઇ રબારીએ જણાવ્યું છે કે મોરબી નગરપાલિકામાં લોકોને પ્રાથમિક સુવિધાથી વંચીત રાખવામાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખના મગરના આંસુ છે.

આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઇ રબારીએ જણાવ્યું છે કે મોરબી નગરપાલિકાનું સને 2020-’21ના વર્ષનું બજેટ કોંગ્રેસ દ્વારા તા. 17-03-2020ના રોજ એકઝી. કમીટીની મળેલ બેઠકમાં સર્વાનુંમતે બજેટ મંજુર કરવામાં આવેલ છે. પરંતુ નગરપાલિકાના તા. 24-08-2020ના રોજ મળેલ જનરલ બોર્ડમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇએ કોંગ્રેસી કાઉન્સીલરોને લોભ-લાલચ, પદ-પૈસા અને માળીયા નગરપાલીકાની જેમ રીકવરીની ધમકી બતાવી ગેરહાજર રખાવવામાં સફળ થયા અને હવે, કોંગ્રેસ પર આરોપ લગાવે છે..

ખરેખર ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હતી છતાં પણ જાણીબુઝીને મોરબીવાસીઓ કેમ યેન કેન પ્રકારે વિકાસના કામોથી વંચિત રહે તે માટે શકુનીની શતરંજ ગોઠવી સોગઠાબાજીથી બજેટ નામંજુર કરાવ્યું. આખરે સત્ય બહાર આવતા દોષનો ટોપલો કોંગ્રેસ પર નાખવાના બાલિશ પ્રયત્નો હવાતીયા મારી રહ્યા છે. આખરે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરોએ રજુ કરેલ ભૂતિયા બીલો અટકતા વિકાસનું બહાનું આગળ ધરી બજેટ મંજુર કરાવવા સહાનુભૂતિથી બાલીશ પ્રયત્નો કરી રહ્યા છે.

- text

વધુમાં, તેઓએ જણાવ્યું છે કે હકીકતે સમગ્ર ગુજરાત રાજયની તમામ નગરપાલીકા-જીલ્લા-તાલુકા પંચાયતોએ બજેટ તા. 15 માર્ચ, 2020 સુધીમાં મંજુર કરાવ્યા. ફકત નગરપાલિકાનો વહીવટ રીપોર્ટ કંટ્રોલ ભાજપના આગેવાનના હાથમાં હોય, છેલ્લા 18 માસથી જનરલ બોર્ડ (જે દર ત્રણ માસે બોલાવવા ફરજીયાત હોઇ) ન બોલાવતા હાથના કર્યા હૈયે વાગ્યા હતા. પાપ છાપરે ચડીને પોકારતા આ નોબત આવી પડી. વિશેષ જાગૃત કાઉન્સીલરોને પોતાની જવાબદારીનું ભાન થતા ફકત પેપર ઉપર કામ બતાવી કોરોડો રૂપિયાનું ચુકવણુ થયાની જાણ થતા છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ તમામ ખર્ચાઓ સર્વાનુમતેના મંજુર કર્યા અને મોરબી શહેરીજનો તેમજ જાગૃત કાઉન્સીલરો આવા ભ્રષ્ટાચારી આસામીઓને ઓળખી જતા આમ બનવા પામેલ છે.

જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇએ ખરેખર બજેટ મંજુર કરાવવું જ હોય તો વીતી ગયેલ સમય (તા. 01-04-2020 થી 31-08-2020)ના ચુકવાયેલ ખર્ચને અમાન્ય ગણી (તા. 01-09-2020 થી 31-03-2021) સુધીના બાકી રહેલ સમયનું બજેટ રજુ કર્યે કોંગ્રેસ પાર્ટીના તમામ સદસ્યો એકજુથે એકી અવાજે બજેટ મંજુર કરશે જ તેવી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઇ રબારીએ મોરબીના નગરજનોને ખાત્રી આપી છે. પરંતુ ભાજપ બજેટ મંજુર કરાવશે કે કેમ? તેવી દહેશત મોરબીવાસીઓને છે. સાથે સાથે પ્રબુદ્ધ નગરજનો દ્વારા રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, લાઇટ-સફાઇમાં ચુકવાયેલ બેનામી બીલો, રકમનો વિજીલન્સ દ્વારા તપાસ કરાવી સત્ય બહાર લાવે તેવી પણ માંગણી સાથે વિનંતી કરેલ છે. તેમ રામજીભાઇ રબારી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text