માળીયા (મી.) મામલતદાર કચેરીમાં ઇ-સ્ટેમ્પિંગની સુવિધા બંધ થતા હાલાકી

- text


લોકોને પડતી મુશ્કેલી નિવારવા રેવન્યુ બાર એસોસિયેશન, મોરબી તથા સરપંચ એસોસિયેશન માળીયા(મી.)ની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

માળીયા (મી.) : માળીયા(મી.) તાલુકામાં આશરે 52 જેટલા ગામો આવેલા છે. અહીંયાના લોકોને સરકારી કામકાજમાં ઈ-સ્ટેમ્પ પેપરની જરૂરિયાત પડતી હોય છે. પરંતુ લોકો માટે મોટી મુશ્કેલી એ છે કે સબ રજીસ્ટાર કચેરી માળિયામાં સને 2018થી ઈ-સ્ટેમ્પીંગની સુવિધા કોઈપણ જાતના વ્યાજબી કારણ વગર એકાએક બંધ કરી દેવામાં આવી છે. જે હજુ ચાલુ કરવામાં આવેલ નથી. આથી, હાલ કોરોનાની મહામારીના કપરા કાળમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને ઈ-સ્ટેમ્પીંગ લેવા માટે માળીયાથી 40 કિલોમીટર દૂર મોરબી અથવા હળવદ ધક્કા ખાવા પડે છે.

માળીયા(મી.)ની સબ રજીસ્ટાર કચેરીમાં લોકો દર વર્ષે આશરે 6000 જેટલા સોગંદનામા અને મુખત્યારનામા કરાવતા હોય અને 600 જેટલા દસ્તાવેજો રજીસ્ટર થાય છે. પરંતુ તેમાં વાપરવા પડે તે ઈ-સ્ટેમ્પ પેપર માળિયાની કચેરીમાં મળતા નથી. આથી, લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને નવાઈની વાત તો એ છે કે સરકારની ગરવી ગુજરાત સાઈટ ઉપર ઈ-સ્ટેમ્પીંગ સેન્ટરના લિસ્ટમાં મોરબી જિલ્લાના માળીયાની મામલતદાર ઓફિસમાં ઇ-સ્ટેમ્પીંગ સેન્ટર ચાલુ છે. તેવું દર્શાવેલ છે હકીકતે માળીયા (મી.)ની કોઈપણ કચેરીમાં ઈ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ જ નથી.

- text

આથી, માળીયામાં ઈ-સ્ટેમ્પીંગ સેન્ટર ફરી સત્વરે શરૂ કરવામાં આવે તે માટે રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના હોદ્દેદારો સંજયભાઈ રાજપરા (પ્રમુખ) અતુલભાઇ કલોલા, સૌરભભાઈ શાહ (ઉપપ્રમુખ), નીતિનભાઈ નાયકપરા (સેક્રેટરી), અશ્વિનભાઈ બડમલીયા (જોઈન્ટ સેક્રેટરી), હેમાંશુભાઈ પોપટ (ટ્રેઝરર), સાગર ફેફર, જયેશ જોગર, મિહિર કુંભારવાડીયા, ગીરીશ અંબાણી, ધર્મેન્દ્ર શેરસીયા (કારોબારી સભ્યો) અને પૂર્વ પ્રમુખ યોગેશભાઈ સબાપરા, ચેતનભાઇ સોરીયા, કે. ડી. પટેલ તેમજ વકીલો અને રેવન્યુ પ્રેક્ટિસનરો તથા માળીયા (મી.) તાલુકાના સરપંચ એસોસિયેશનએ માંગ કરેલ છે. અને તે અંગેનું આવેદનપત્ર, નોંધણી સર નિરીક્ષક ગાંધીનગર, નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી), મોરબી, મામલતદાર, માળીયા (મી.) તથા સબ રજીસ્ટ્રાર, માળીયા (મી.)ને પાઠવેલ છે.

- text