મોરબીમાં બેંકના એટીએમમાંથી લાખોનું ફ્રોડ કરનાર આંતરરાજ્ય ગેંગનો સાગરીત ઝબ્બે

- text


 

એટીએમ ફ્રોડમાં સંડોવાયેલો આ શખ્સ રાજકોટમાં પણ એટીએમ ફ્રોડ આચરે તે પૂર્વે ઝડપી લેવાયો : આરોપી પાસેથી એક બે નહિ બેંકના 17 એટીએમ કાર્ડ મળ્યા : 15 શખ્સોએ મોરબી આવીને બેંકસાથે ચિટીંગ કર્યું હોવાની કબૂલાત આપી

મોરબી : મોરબીમાં ઘણા સમયથી વારંવાર એટીએમ ફ્રોડના બનાવો બહાર આવ્યા બાદ આખરે પોલીસે આ દિશામાં સઘન તપાસ ચલાવી આ એટીએમ ફ્રોડના મૂળ સુધી પહોંચીને લાખોની ચિટીંગ કરનાર આંતરરાજ્ય ગેગનો પર્દાફાશ કર્યો છે.જેમાં મોરબીના એટીએમ ફ્રોડમાં સંડોવાયેલો એક શખ્સ રાજકોટમાં પણ એટીએમ ફ્રોડ કરવા આવ્યો હોવાની બાતમીના આધારે મોરબી પોલીસે રાજકોટ જઈને આ શખ્સને દબોચી લીધો છે.તેની પાસેથી એક બે નહિ બેંકના 17 એટીએમ કાર્ડ મળ્યા હતા.આ આરોપી અને યુપીની ગેંગના 15 શખ્સોએ મોરબી આવીને બેંક સાથે ચિટીંગ કરી હોવાની કબૂલાત આપી છે.

આ બનાવની મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે ,ગયા વર્ષે 2019માં સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમ્યાન એસબીઆઈ બેંકની મેઈન બ્રાન્ચ દ્વારા શહેરમાં જુદીજુદી જગ્યાએ આવેલા એટીએમ મશીનમાં રોકડ રકમ નાખ્યા બાદ રોકડ ઉપાડ કરતા પણ વધુ રકમ ઉપડી જતી હોવાનું ધ્યાને આવ્યા બાદ આ મામલો અંતે પોલીસમાં પહોંચ્યો હતો.પોલીસે આ સમગ્ર એટીએમના ટ્રાન્ઝેક્શનની ગહન તપાસ કરતા કોઈ ભેજાબાજે અનોખી ટેક્નિકથી અમુક એટીએમ કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડીને કુલ રૂ.7.61 લાખનું ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું હતું.આથી પોલીસે આ અંગે ગુનો નોંધીને આ ભેજાબાજોને ઝડપી લેવા એલસીબી અને મોરબી એ ડિવિઝનની ટીમો કામે લાગી હતી. પોલીસે શહેરમાં રહેલા એટીએમ મશીનોમાં થયેલા ટ્રાન્ઝેક્શનની અને એટીએમ મિશીનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બેંક સાથે કુલ રૂ.30 લાખની ઠગાઈ થયાનું બહાર આવ્યું હતું.

પોલીસની ટીમોએ સઘન તપાસ ચલાવતા એટીએમમાં ફ્રોડ કરવા માટે વપરાયેલા કાર્ડનું ઉત્તરપ્રદેશનું લોકેશન મળ્યું હતું.દરમિયાન આજે પોલીસને બાતમી મળી હતી કે મોરબીમાં એટીએમ ફ્રોડમાં સંડોવાયેલા શખ્સ રાજકોટ પણ આ પ્રકારની ચિટીંગ કરવા આવતો હોય મોરબીની પોલીસની ટીમે રાજકોટ જઈને ઉત્તરપ્રદેશના પુરણસીંગ ઉદેસીંગ નિશાદને ઝડપી લીધો હતો.પોલીસે આ આરોપીની તલાશી લેતા તેની પાસેથી અલગ અલગ બેકના 17 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.આ શખ્સે આ એટીએમ કાર્ડથી રૂ.6 લાખ મોરબીના એટીએમમાંથી ઉપાડીને બેંક સાથે ચિટીંગ કર્યું હોવાની કબૂલાત આપી હતી.આ એટીએમ ફ્રોડમાં ઉત્તરપ્રદેશની 15 સભ્યોની ગેંગની સંડોવણી છે.

- text

આ એટીએમ ફ્રોડમાં 20 થી 25 કાર્ડના ઉપયોગ કરી ઉત્તરપ્રદેશના 15 શખ્સો અલગ અલગ તારીખે મોરબી આવી એટીએમમાંથી રકમ ઉપાડીને બેંક સાથે ચિટીંગ કરતા હોવાની પણ કબૂલાત આપી છે.ઉપરાંત 10 દિવસ પહેલા રાજકોટ ખાતેના એટીએમમાંથી રૂ.80 હજાર, અમદાવાદ ખાતેથી રૂ.10 હજાર તેમજ લોકડાઉન પહેલા બહાદુરગઢ ,દિલ્હી ખાતેથી રૂ.50 હજારનું ચિટીંગ કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે હાલ આ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરીમાં એસપી એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા બારાઈની સૂચના અને પીઆઇ બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીએસઆઇ વી.કે.ગોંડલીયા, કોન્સ. મહેશદાન ઇસરાણી, અરજણભાઈ ગરિયા, રણજીતભાઈ મઠીયા, ભરતભાઇ ખાંભરા, એલસીબીના કોન્સ. નિર્મળસિંહ જાડેજા, આસિફભાઈ ચાણક્ય રોકાયેલ હતા. 

- text