23 ઓગસ્ટ : રાત્રે 8 થી 10 વાગ્યામાં ટંકારામાં આભ ફાટ્યું : બે કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો..

- text


 

આજના દિવસનો સાડા નવ ઇંચ વરસાદ થયો : ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદથી જનજીવન ખોરવાયુ

ટંકારા : ટંકારામાં આજે રાત્રે છેલ્લા બે કલાકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જય છે. માત્ર બે જ કલાકમાં સુપડાધારે 7 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સમગ્ર તાલુકો જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મોરબી જિલ્લામાં આજે મેઘરાજાનું જોર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રહ્યું છે. સવારથી મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા અનરાધાર વર્ષી રહ્યા હતા. તેવામાં રાત્રે 8થી 10 વાગ્યે તો ટંકારામાં મેઘરાજાએ બઘડાસટી બોલાવી દીધી હતી. બે કલાકમાં અચાનક વાદળ ફાટતા ટંકારા તાલુકામાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જોત જોતામાં સમગ્ર તાલુકામાં જળ બંબાકાર થઈ ગયો હતો.

હાલ ટંકારા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદી- નાળાઓ છલકાય જતા અનેક ગામોમાં જવાના રસ્તા હાલ બંધ થઈ ગયા છે. ટંકારામાં આવેલી આ આકાશી આફતથી ઘણું નુકસાન થયું છે તે ચોક્કસ છે. પરંતુ હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી. આ વિગતો સવાર સુધીમાં સામે આવે તેવી શક્યતાઓ છે.

- text

હાલ મળતી વિગતો અનુસાર કલ્યાણપુર, જબલપુર, જીવાપર, સાવડી, નેસડા, ઓટાળા, અમરાપર ટોળ, ખીજડિયા, હરિપર, લખધીરગઢ સરાયા ધુનડા સહિતના ગામો પાણીમાં તરબોળ થયા છે. ટંકારા તાલુકા પંચાયત સામે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા ઝુંપડા તણાયા હતા. ગામ્ય વિસ્તારમાં તો 7 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

રાત્રે 8થી વાગ્યા દરમિયાન ટંકારા સિવાયના બીજા તાલુકાઓમાં મેઘરાજા વિરામના મૂડમાં હોય તેમ માત્ર નજીવો વરસાદ પડ્યો હતો. જેમાં વાંકાનેરમાં પોણો ઇંચ અને માળિયા તથા મોરબીમાં અડધો ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.

23 ઓગસ્ટ : સાંજના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત.

મોરબી : 6 mm
ટંકારા : 168 mm
માળીયા : 12 mm
વાંકાનેર : 19 mm
હળવદ : 0 mm

23 ઓગસ્ટ : સવારના 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત..

મોરબી : 164 mm
ટંકારા : 236 mm
માળીયા : 110 mm
વાંકાનેર : 66 mm
હળવદ : 86 mm

નોંધ : 25 mm બરાબર એક ઇંચ વરસાદ થાય.

- text