ઓમ વીલામાંથી પકડાયેલા જુગારધામના મૂળ સુધી પોલીસ પહોંચે : લલિત કગથરા

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરી એકવાર ભાજપ અને બ્રિજેશ મેરજા પર પ્રહારો કરાયા

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ટંકારા વિસ્તારમાં ઓમ વીલામાંથી પકડાયેલા જુગારધામના મૂળ સુધી પોલીસ પહોંચે તેવી માંગ કરી જવાબદાર અધિકારીઓ સામે આકરા પગલાં ભરવાની માંગ કરી હતી તેમજ ભાજપ ઉપર જ નિશાન તાકીને આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને તાલુકા પંચાયતના 18 સભ્યોએ એકજુટ રાખીને ભાજપમાં ભળેલા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરીને તેમને હટાવી દીધા હતા. આ મામલે તેમણે આગામી ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રબળ દાવેદાર બ્રિજેશ મેરજા ઉપર સીધો પ્રહાર કરીને કહ્યું હતું કે, બ્રિજેશ મેરજાના હાલ પણ તાલુકા પંચાયતના પ્રમુખ જેવા જ થશે.

લલિતભાઈ કગથરાએ મીડિયા સાથેની વાતચીતમાં ટંકારા પોલીસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકે તેમના મત વિસ્તાર ટંકારા નજીક ઓમ વીલામાં આર.આર.સેલે મસમોટું જુગાર ધામ ઝડપી લીધું હતું. આવડું મોટું જુગાર ધામ કોની મીઠી નજર હેઠળ ધમધમતું હતું? તેમાં અનેક મોટા માંધાતાઓ સંડોવાયેલા છે તે તમામને બેનકાબ થવા જોઈએ. સામાન્ય કેસમાં પણ પ્રજા ઉપર કડક કાર્યવાહી કરતી ટંકારા પોલીસનો આ જુગાર ધામ ઝડપી લેવામાં કેમ પન્નો ટૂંકો પડ્યો? જોકે, આ જુગાર ધામમાં બેદરકારી બદલ એક સામાન્ય પોલીસ કર્મી સામે પગલાં લેવાય તે યોગ્ય બાબત નથી. ખરેખર ટંકારા પોલીસ મથકના જવાબદાર પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી થઈ જોઈએ તેવી માંગ કરીને ટંકારા પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

- text

આ ઉપરાંત સરકારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 1 હજારના લાગુ કરેલા દંડ મામલે પણ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. લોકડાઉનમાં કડક નિયમો ઠોકી બેસાડીને હવે કોરોનાના ભય બતાવી માસ્ક ન પહેરવાના બહાને સરકાર નિર્દોષ ગરીબ પ્રજાને દંડના નામે લૂંટી રહી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ પ્રજાના હિતમાં આવતીકાલે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની જન્મ જ્યંતી નિમિતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાશે. વધુમાં તેમને કહ્યું હતું કે તાલુકા પંચાયતના કોંગ્રેસ 18 સભ્યોએ એકજુટ રાખીને ભાજપમાં જોડાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયાને પ્રમુખ પદેથી હટાવી દીધા હતા. આજે તાલુકા પંચાયતના પ્રમુખના જેવા હાલ થયા તેવા જ હાલ હવાલ આગામી પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાના થશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text