ભાજપમાં ભળેલા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજુર

- text


હવે નવેસરથી પ્રમુખની ચૂંટણી થશે : કોંગ્રેસના સભ્યોએ બહુમતીના જોરે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને પ્રમુખને હટાવ્યા

મોરબી : મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડતા તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આથી, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મામલે આજે તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ બહુમતીના જોરે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને પ્રમુખને હટાવ્યા હતા. આથી, હવે નવેસરથી પ્રમુખની ચૂંટણી યોજાશે.

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હસરાજભાઈ પંચોટીયા થોડા સમય પહેલા ભજપમાં જોડાયા હતા. આથી, આ પ્રમુખને હટાવવા માટે તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ તેમની સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકી હતી. પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મામલે આજે તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જો કે તાલુકા પંચાયતની કુલ 26 સીટ છે. તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપમાં જોડતા હવે કોંગ્રેસની 21માંથી હાલ 20 સીટ છે. જો કે ભાજપ પાસે પાંચ સીટ હતી. તેમાંથી એક સભ્ય સસ્પેન્ડ થયા છે. તેથી, ભાજપ પાસે હવે 4 સીટ રહી છે.

- text

ત્યારે આજની સામાન્ય સભામાં કોંગ્રેસના 18 સભ્યો અને ભાજપમાંથી પ્રમુખ હંસરાજભાઈ પંચોટીયા અને વિક્રમસિંહ ઝાલા એમ બે સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ બહુમતીના જોરે પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તેમને પ્રમુખ પદેથી હટાવ્યા હતા. પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તમાં ક્રોસ વોટિંગ અને કોંગ્રેસના સભ્યો તૂટશે, તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પણ કોંગ્રેસે એકજુટ રહીને આજે બહુમતીના જોરે બાજી જીતી લીધી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, કોંગ્રેસ અગ્રણી જ્યંતીભાઈ જેરાજભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નાથાભાઇ ડાભી સહિતના 18 સભ્યો હાજર રહ્યા હતા.

- text