હળવદ પાલિકા પ્રમુખની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો

- text


  • પાલિકાના પ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસમાં ભારે ધમપછાડા
  • પાલિકા પ્રમુખની ચૂંટણી જીતવા માટે ભાજપના બંને જૂથએ કોંગ્રેસને સત્તામાં ભાગીદારીની ઓફર કરી હોવાની તથા કોંગ્રેસના ત્રણ સદસ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા

હળવદ : હળવદ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રમુખ બનવા ભાજપના સદસ્યોમાં ભારે ધમપછાડા જોવા મળી રહ્યા છે. જો કે હળવદ ભાજપમાં જુથવાદ છે તે વાત જગજાહેર છે. ત્યારે હવે જોવાનું એ છે કે ભાજપનું ક્યું જૂથ પ્રમુખ પદ મેળવવામાં સફળ રહે છે તો બીજી એ પણ એક ચર્ચા છે કે ભાજપના બંને જૂથ દ્વારા કોંગ્રેસના સદસ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને જો કોંગ્રેસ ટેકો આપે તો સત્તામાં ભાગીદારીની પણ ઓફર કરવામાં આવી હોવાની ચર્ચાઓ હાલ બજારમાં વહેતી થઇ છે. તો સાથે કોંગ્રેસના ત્રણ સદસ્યો ભાજપના એક જૂથના સંપર્કમાં હોવાની પણ ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

હળવદ પાલિકામાં કુલ ૮ વોર્ડ આવેલા છે. જેમાં ૨૮ સભ્યો છે. જો કે અઢી વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૧૮ અને કોંગ્રેસના ૧૦ સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. જેથી, ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરતા પાલિકામાં ભાજપ સતા પર આવી હતી. જો કે કોંગ્રેસમાંથી ભાજપમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા જ્યારથી આવ્યા છે. ત્યારથી ભાજપમાં બે ટીમ પડી ગઈ છે. જેને લઇ અવારનવાર હળવદ ભાજપનો જૂથવાદ સપાટી પર આવતો હોય છે.

- text

ત્યારે આગામી ૨૪ તારીખે પાલિકા પ્રમુખનો કાર્યભાર પુરો થાય છે. જેથી, પાલિકા પ્રમુખની યોજાનાર ચૂંટણીમા વળી પાછો જૂથવાદ સપાટી પર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે ધારાસભ્ય સાબરીયા જૂથ પાસે ૭થી૮ સભ્યોનું સંખ્યાબળ છે જ્યારે પૂર્વ મંત્રી કવાડિયાના જુથ પાસે ૧૦ થી ૧૧નું સંખ્યાબળ છે. જેથી, બંને જૂથના લોકો હાલ કોંગ્રેસના ૧૦ સભ્યો પર નજર રાખીને બેઠા છે. બીજી તરફએ પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે ભાજપના બંને જૂથ કોંગ્રેસના સદસ્યોના સંપર્કમાં છે અને જો કોંગ્રેસ ટેકો આપે તો સત્તામાં ભાગીદારી આપવા પણ બંને જુથ દ્વારા તૈયારી દર્શાવાઈ છે. હવે જોવાનું એ છે કે ભાજપનું ક્યું જુથ પાલિકાના પ્રમુખપદનો પદભાર સંભાળવામાં સફળ થાય છે.

અમારા ૧૮ સદસ્યોના સેન્સ દિધા બાદ પાર્ટી નિર્ણય કરશે : શહેર ભાજપ પ્રમુખ

હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ એ જણાવ્યું હતું કે અમારે કોઇ જ જુથવાદ છે નહીં. પ્રમુખ પદનો ચાર્જ ૨૪ ઓગસ્ટે પૂરો થતો હોય. જેથી, આવતીકાલે પ્રદેશ ભાજપમાંથી અગ્રણીઓ હળવદ આવનાર છે અને ભાજપના ચૂંટાયેલા તમામ ૧૮ સદસ્યોના સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ પાર્ટી નિર્ણય કરશે કે કોને પ્રમુખ પદે બેસાડવા.

ભાજપના બંને જૂથના નારાજ ૬ સદસ્યો અમારા સંપર્કમાં છે : કોગ્રેસ

હળવદ નગર પાલિકાના કોંગ્રેસના સદસ્ય વાસુદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે હળવદ શહેરમાં વિવિધ વિકાસના કામો થાય તેમજ લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓ દૂર થાય, તે હેતુસર અમે પણ પ્રમુખપદની લાઈનમાં છીએ. હળવદ ભાજપમાં બે જૂથ પડી ગયા હોય. જેથી, બંને જુથના ૬ જેટલા સદસ્ય અમારા સંપર્કમાં છે. સાથે જ અમારા ૧૦ સદસ્યો અમારી સાથે જ છે. એક પણ સદસ્ય ભાજપમાં જોડાવાનો નથી.

- text