હળવદના કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં પોલીસ બંદોબસ્તનો અભાવ, કોરોના વકરવાની દહેશત

એક સાથે ત્રણ પોઝીટીવ કેસને તંત્ર ગંભીરતાથી ન લેતું હોવાની રાવ, પોલીસ બંદોબસ્તમાં ઠાગા ઠૈયા : જાગૃત નાગરિકોમાં ચિંતા

હળવદ : હળવદમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે.હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી અત્યાર સુધીમાં કુલ ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે.જો કે ૧૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ૮ કેસ એક્ટીવ છે જેમાંના ત્રણ કેસ તો હળવદ શહેરના ગિરનારીનગર વિસ્તારમાં એક જ પરિવારના નોંધાયા છે. અહીં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયા હોવા છતાં પણ પાછલા ત્રણેક દિવસથી આ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પોલીસનો પહેરો હોવા છતાં પણ પોલીસના આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જોકે ગઈકાલે પોલીસને ફોન કર્યા બાદ પોલીસના જવાનો આવ્યા હતા. ત્યારે આજે અત્યાર સુધી અહીં એક પણ પોલીસ જવાન ન આવ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

તો બીજી તરફ આજ ગિરનારી નગર વિસ્તારમાં અગાઉ ચોરીના પણ બનાવ બન્યા હતા.જ્યારે એક જ ઘરમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તે ઘરમાં હાલ બે બાળકો અંને એક મહિલા એકલા જ હોય આવા સમયે પોલીસના આવતી હોવાને કારણે લોકોમાં પણ ક્યાક ડર જોવા મળી રહ્યો છે.

હું જોવડાવી લઉં ત્યાં આજે કોને મુકવામાં આવ્યા છે : પી.આઈ

ગીરનારીનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યાં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયું છે.જેથી ત્યાં ૧૪ દિવસ માટે પોલીસનો પહેરો મૂકવામાં આવતો હોય છે. ત્યારે બે-ત્રણ દિવસથી પોલીસ હોય અથવા તો ન હોય જેને કારણે તે વિસ્તારના લોકોની રજૂઆતને પગલે આ અંગે હળવદ પી.આઈ દેકાવાડીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 8 ઝોન છે જેથી હું જોવડાવી લઉં છું આજે તે વિસ્તારમાં કોને મૂકવામાં આવ્યા છે.

કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ૧૪ દિવસ પોલીસના જવાનોને મુકવામાં આવે છે : તાલુકા હેલ્થ ઓફિસર

હળવદ તાલુકા હેલ્થ ઓફિસર એ જણાવ્યું હતું કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં અમારી ટીમ દરરોજ લોકોના આરોગ્યની તપાસણી કરી રહી છે સાથે જે વિસ્તારમાં કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. ત્યાં પોલીસના જવાનોને ૧૪ દિવસ માટે મૂકવામાં આવે છે.