મોરબી અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ દ્વારા નવી શિક્ષણ નીતિને આવકાર

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ-મોરબી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને આવકાર આપવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ રાષ્ટ્ર કેન્દ્રિત હોવાની સાથે સાથે 21મી સદીની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓનું ઘડતર કરીને વિશ્વ નાગરિક બનાવવાની કલ્પના પર આધારિત છે.

નવી શિક્ષણનીતિમાં ધોરણ-5 સુધી માતૃ ભાષામાં જ શિક્ષણ આપવું ફરજીયાત અને શક્યતઃ ધોરણ 8 અને તે પછીના ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષાને મહત્વ આપવું એ એક આવકાર દાયક પગલું છે. નવી શિક્ષણ નીતિમાં બાલ્યાવસ્થામાં શિક્ષણની સાથે સાથે સંભાળ પર પણ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. જે એક મહત્વની બાબત છે એવું શૈક્ષીક મહાસંઘ-મોરબી ચોક્કસપણે માને છે. કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણાં મગજનો મોટાભાગનો વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે.

અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ દ્વારા જણાવાયું છે કે ખુશીની વાત એ છે કે શિક્ષણનીતિ-2020મા શૈક્ષણિક, સહ શૈક્ષણિક, કલા-વૈજ્ઞાનિક કે વ્યવસાયિક શિક્ષણમાં ભેદભાવ દૂર કરવાની વાત કરવામાં આવી છે. જે એક આવકારદાયક પહેલ છે. શિક્ષકોની પારદર્શી નિમણૂકથી લઈને શિક્ષકોના ગૌરવને સમાજમા પુનઃ સ્થાપિત કરવાની શૈક્ષણિક વહીવટમાં ભાગ લેવાની વ્યવસ્થા રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘના ધ્યેય સૂત્ર ‘રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક ઔર શિક્ષક કે હિત મેં’ ને ખરા અર્થમાં સાર્થક કરે છે.