માળીયામાં સસ્તા અનાજના દુકાનદારને માર મારી લૂંટી લીધાની ફરિયાદ

એક શખ્સ લુખ્ખાગીરી કરીને બળજબરીથી પૈસા પડાવીને ફરાર થઈ ગયો

માળીયા : માળીયા મિયાણામાં આવેલી સસ્તા અનાજના દુકાનદારને માર મારીને રૂ.૩૦૦૦ ની લૂંટ કર્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ લુખ્ખાગીરી કરીને બળજબરીથી સસ્તા અનાજના દુકાનદાર પાસેથી પૈસા પડાવીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મીંયાણા પોલીસ સ્ટૅશને પ્રાપ્ત થતી વિગતો અનુસાર મુળ માળીયા મી. સ્વામીનારાયણ મંદીરની બાજુમા અને હાલ મોરબીના નાની વાવડી ગામ સિધ્ધિવિનાયક સોસાયટી રહેતા તથા મળિયામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા મયુરભાઈ સુરેશભાઈ કપુર (ઉ.વ.૩૨)એ આરોપી જામનગર રોડ વાંઢમા માળીયા ખાતે રહેતા યાસીન જુસબભાઈ જામ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૨ જુલાઈના રોજ બપોરના સાડા બારેક વાગ્યે ફરીયાદી માળીયા ગામે સસ્તા અનાજની દુકાન વેપાર કરતા હોય ત્યારે આરોપીએ આવી ફરીયાદી પાસે રૂ ૧૦૦૦ રોકડા માંગ્યા હતા. આથી ફરીયાદીએ રૂપીયા નહી હોવાનુ કહેતા આરોપીએ કહેલ કે રૂપીયા ન આપ તો ઘઊ અને ચોખા આપ તેમ કહેતા ફરીયાદી એ ઘઊ ચોખા આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી બે-ત્રણ લાફા મારી ફરીયાદીના માથામા પક્કડ મારી ઇજા કરી ફરીયાદીના ખીસ્સામાંથી બળજબરીથી રૂ ૩૦૦૦ કાઢી લઈ લુટ કરી નાસી ગયો હતો. આ બનાવની સસ્તા અનાજના દુકાનદારે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.