માળીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

- text


  • મેરજાના સમર્થનમાં કોઈ હોદ્દાની લાલચ વગર બીજેપીમાં જોડાયા હોવાનો માળીયા મી. તાલુકા કોંગ્રેસ પ્રમુખનો દાવો
  • આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનીય કોંગ્રેસ નેતાઓના કેશરીયા

મોરબી : રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાં બાદ હવે આવનારી ધારાસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને બીજેપીનું ઓપરેશન કોંગ્રેસ આગળ વધતું હોય એમ એક પછી એક એવા ધારાસભા મત વિસ્તાર કે જ્યાંથી કોંગી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યાંથી કોંગ્રેસની વર્તમાન ટીમને બીજેપીમાં ભેળવવા માટેના પ્રયાસો ચાલુ છે ત્યારે આજે માળીયા(મી.)માં કોંગ્રેસના સ્થાનીય આગેવાનો ભાજપમાં ભળતા રાજકીય જોડ-તોડ તેજ બની હોવાનું જાણકારો ચર્ચી રહ્યા છે.

આજે માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે.પારેજીયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વિક્રમસિંહ જાડેજા, માળીયા તાલુકા પંચાયતના 2 સભ્યો સહીત કુલ 60 આગેવાનોએ બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, મગનભાઈ વડાવીયા, રાઘવજીભાઈ ગડારા, મેઘજીભાઈ કંઝારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા, પ્રદીપભાઈ વોરા, જયંતિ કવાડીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કોંગ્રેસના 60 આગેવાનોને કેશરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.

ભાજપના આ પ્રવેશોત્સવ પ્રસંગે બોલતા માળીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે, બ્રિજેશ મેરજા જેવા વ્યક્તિને પાર્ટીની આંતરિક ખેંચતાણના કારણે કોંગ્રેસ છોડવી પડી છે. અમો અગાઉ બ્રિજેશભાઈની સાથે હતા અને હજુ પણ સાથે જ રહીને સ્થાનિક સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્નશીલ રહેવાના છીએ.

સૌરભ પટેલે આ તકે જણાવ્યું હતું કે, માળીયા(મી.)ના કોંગ્રસના મિત્રોને અમો બીજેપીમાં આવકારીએ છીએ અને મોરબી જિલ્લાના વિકાસ માટે અમારું મજબૂત થયેલું સંગઠન હવે પુરા જોશથી કાર્યરત રહેશે. માળીયા(મી.) તાલુકાના અનેક ગામોના સરપંચો પણ અત્યારે બીજેપીમાં જોડાયા હોવાથી હવે તાલુકામાં કોંગ્રેસનું પ્રાથમિક માળખું પડી ભાંગ્યું છે. આ તમામ ભાજપના સભ્યો હવે બ્રિજેશ મેરજાને જીતાડવા પુરા તન-મનથી મહેનત કરશે એમ કહી મેરજાની દાવેદારીને કોઈ વાદ-વિવાદ વગર સર્વેનું સમર્થન છે તેનો ફરી એકવાર આડકતરો ઉલ્લેખ સૌરભ પટેલે કર્યો હતો.

- text

બ્રિજેશ મેરજાએ આ તકે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, મોરબી પાલિકામાં કોંગ્રસના શાસનમાં મોરબીમાં સ્વચ્છતા સહિતના પ્રશ્નો માટે કોંગ્રસ જવાબદાર છે, જો કે, નવ નિયુક્ત બીજેપી પ્રદેશ પ્રમુખ પાટીલની આગેવાનીમાં હવે સંગઠનને નવું જોશ અને તાકાત મળી છે ત્યારે કોઈ સ્થાનીય પ્રશ્નો ન રહે એ માટે ભાજપ હંમેશા પ્રયત્નશીલ રહેશે.

- text