37 વર્ષ પહેલાં યરવડા જેલમાંથી પેરોલ જમ્પ કરનાર મોરબીના કેદી સામે છેક હવે ફરિયાદ નોંધાઇ!

- text


યરવડા જેલમાં પાકા કામના કેદીની સજા ભોગવતા મોરબી તાલુકાના શામપર ગામનો શખ્સ પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયો હતો

મોરબી : મોરબી તાલુકાના શામપર ગામનો શખ્સ વર્ષ 1978 માં પુનાની યરવડા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો અને વર્ષ 1983 માં પેરોલ પર છૂટીને આ પાકા કામનો કેદી હાજર જ થયો ન હતો. આથી, ત્યારથી અત્યાર સુધી એટલે કે આ પાકા કામનો કેદી 37 વર્ષથી ફરાર છે ત્યારે આ અંગે હવે છેક ફરિયાદ નોંધાતા આશ્ચર્ય સર્જાયું છે.

- text

મહારાષ્ટ્ર રાજ્યના પુનાની યરવડા જેલમાંથી જીરો નબરથી એક ફરિયાદ દાખલ થઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવી છે. જેમાં પુનાની યરવડા જેલમાં જેલ ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઇ પ્રભાકરભાઇ બાદલે પાકા કામનો કેદી નં.સી-૨૬૨૯ નામ મગન વેલજી મોનાહાની (મુળ રહે.શામપર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.28/2/178 થી આરોપી પાકા કામના કેદી તરીકે મહારાષ્ટ્રના પુનાની યરવડા જેલમાં સજા ભોગવતો હતો અને ગત તા.11/2/1983 માં આરોપી પેરોલ પર છૂટ્યો હતો અને તેને ગત તા.3/3/1983 ના રોજ ફરી યરડવા જેલમાં હાજર થવાનું હતું. પણ આ પાક કામનો કેદી પેરોલ પર છૂટ્યા બાદ ફરી યરવડા જેલમાં હાજર થયો જ ન હતો. આથી તે 37 વર્ષથી ફરાર છે. આ બનાવની હવે છેક ફરિયાદ નોંધાઇ છે. જો કે જે તે વખતે શામપર ગામ જામનગર જિલ્લામાં આવતું હતું. અને હવે આ ગામ મોરબી જિલ્લામાં આવે છે. એટલે મોરબી તાલુકામાં આ બનાવની ફરિયાદ નોંધાઇ છે.

જોકે હવે છેક આ બનાવની ફરિયાદ નોંધવાનો શુ કારણ છે? શુ જેલ સ્ટાફને હવે છેક ખબર પડી કે આ પાક કામનો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે? 37 વર્ષ પછી નોંધાયેલી આ ફરિયાદ ઘણા સવાલો ઉભા કરે છે. જો કે હાલ તો મોરબી તાલુકા પોલીસ પાક કામના કેદીને શોધવામાં કામે લાગી છે. આ બનાવે મોરબી પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

- text