ઓનલાઈન શિક્ષણ માટેના સંસાધનો ન ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નવતર પહેલ

- text


કુંતાસી ગામ શિક્ષકે સચિત્ર વર્કબુક તૈયાર કરી વિદ્યાર્થીઓને પહોંચાડી

મોરબી : કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા બાળકોનાં શિક્ષણ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં એન્ડ્રોઇડ મોબાઇલ પર વર્ચ્યુઅલ ક્લાસ, ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ, ક્યુ આર કોડ દ્રારા શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ ત્યારે જ સફળ બને જ્યારે બાળકો પાસે મોબાઇલ અને ટીવી જેવા સંસાધનો હોય.મોરબી જિલ્લાનાં માળિયા જેવા આર્થિક રીતે પછાત તાલુકાનાં છેવાડાનાં ગામડાઓમા સાધનોનાં અભાવે ઓનલાઈન શિક્ષણ મેળવવું બાળકો માટે શકય નથી ત્યારે કુંતાસી ગામનાં પ્રાથમિક શાળાનાં શિક્ષક બેચરભાઈ ગોધાણીએ આ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક નવતર પહેલ કરી છે.

- text

બેચરભાઈનાં વર્ગમાં હાલ 48 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાંથી ફક્ત સાત બાળકોના વાલીઓ જ સ્માર્ટફોન ધરાવે છે તો બાકીના બાળકોને કઈ રીતે શિક્ષણ આપવું? તેવા વિચારને અંતે ધોરણ 1 અને 2 નાં બાળકો માટે કમ્પ્યુટર પર એક સચિત્ર કલરફુલ વર્કબુક તૈયાર કરી સ્વખર્ચે તેની કલર પ્રિન્ટ કઢાવી તમામ બાળકોને ડોર ટુ ડોર પહોંચાડી જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કબુક એ રીતે તૈયાર કરવામાં આવી છે કે જેમાં નાના બાળકોના પ્રારંભિક શિક્ષણને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય અને બાળકો જાતે શીખતા માટે પ્રેરાય. બાળકોને આ અંગે કાઈ મુશ્કેલી જણાય તો તેમનાં ઘેર જઇને માર્ગદર્શન આપવામા આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેચરભાઈએ લોકડાઉનનાં સમયમાં બે મહિના સતત મહેનત કરી બાળકો માટે વિવિધ ફોર્મેટ સાહિત્ય તૈયાર કરી હજારો બાળકો સુધી પહોચાડ્યું હતુ. જેની રાજય કક્ષાએ નોંધ લેવાઈ હતી. આમ માળિયાનાં છેવાડાનાં વિસ્તારોમાં સંસાધનોનાં અભાવ વચ્ચે પણ શિક્ષકો દ્રારા બાળકોનાં શિક્ષણ માટે ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે.

- text