શિષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવે એ ગુરુ

શ્રી ગુરુ:બ્રહ્મા ગુરુ:વિષ્ણુ , ગુરુદેવો મહેશ્વર:|
ગુરુ: શાક્ષાતપરમ બ્રહ્મા ,તસ્મૈ ગુરુવે નમઃ||

ગુરુપૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા. ગુરુનું મહત્વ સમજાવવા તથા એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટકરવા માટે દર વર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવે છે. મનુષ્યના જીવન માં ગુરુનું ખૂબ મહત્વ રહેલું હોય છે. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછીનું સ્થાન ગુરુનું હોય છે. શાસ્ત્રોમાં ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે તેનો નિરોધક એટલે કે પ્રકાશ આ બે અક્ષરોથી બનેલો ગુરુ શબ્દનો અર્થ અંધકાર ને દૂર કરનાર એમ થાય છે.ગુરુ એ શિષ્યમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દિપક પ્રગટાવે છે.

ગુરુ અજ્ઞાનતા દૂર કરી પોતાના શિષ્યને ધર્મને માર્ગે દોરે છે.એક રીતે જો કહીયે તો ગુરુ મોક્ષની સાચી રાહ બતાવનાર ભોમિયો છે. કહેવાય છે કે “બીના ગુરુ નહિ જ્ઞાન” આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ ગુરુનું ખૂબ મહત્વ વર્ણવામાં આવ્યું છે. હિન્દૂ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજજો આપવામાં આવ્યો છે. ગુરુ-શિષ્યની પરંપરા ભારતમાં આદિકાળથી ચાલી આવી છે.સાંદિપની ઋષિના આશ્રમમાં રહેતા શ્રીકૃષ્ણ અને સુદામા કોઈપણ જાતના ભેદભાવ વગર એકસાથે રહેતા હતા.ગુરુ વિદ્યાનું દાન આપે છે. જે સૌથી મોટું દાન માનવામાં આવે છે.માટે રંક હોય કે રાજા ગુરુ માટે એમના સર્વે શિષ્યો સમાન હોય છે.

એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના ગુરુ માન્યા હતા. તેમની મૂર્તિ સામે મૂકીને એકલવ્ય એ ધનુંવિદ્યાનો પાઠ શીખ્યો હતો. ગુરુદ્રોણાચાર્ય એ જ્યારે એકલવ્ય પાસેથી એનો અંગુઠો માંગ્યો ત્યારે તેને કોઈ પણ જાત ના સંકોચ વગર પોતાનો અંગુઠો એના ગુરુને દાનમાં આપી દીધો. બીજી તરફ ગુરુ દતાત્રેયે 24 ગુરુ બનાવ્યા હતા .જેમાં એમને વફાદારીનો ગુણ શીખવા માટે એક શ્વાનને ગુરુ બનાવ્યા.

આમ ગુરુએ શિષ્યના જીવનના વિકાસનું માર્ગદર્શન આપે છે. ગુરુ વગર મનુષ્યનું જીવન નકામું માનવામાં આવે છે. એકરીતે કહીએ તો ગુરુ પોતાના શિષ્યના જીવનને કોઈપણ સ્વાર્થ વગર ઘડવાનું કાર્ય કરે છે.

મોરબી જિલ્લામાં હાલ કોરોનાંને કારણે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ સાદાઈથી ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં બગથળા ગામે નકલંકધામ, ખોખરા હનુમાન , તથા રામધનઆશ્રમ ખાતે તેમજ મોરબીના સ્મશાન પાસે કેશવાનંદ બાપુના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઉજવણી સાદાયથી કરવામાં આવી છે.