મોરબીમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી

 

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીની લેબોરેટરી અને એક્સરે માટે સ્ટાફ જ ન ફરકાયો: દર્દીએ કલેકટર સમક્ષ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ

મોરબી : મોરબીમાં કોરોનાના કેસો પ્રમાણ ગંભીર રીતે વધી રહ્યું છે ત્યારે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની તાત્કાલિક સારવારમાં જરાય બેદરકારી પાલવે એમ નથી.આમ છતાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીની તાત્કાલિક સારવાર કરવામાં હાથ ઊંચા કરી દીધા હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં રહેતા કલ્પેશભાઈ રામભાઈ કુછડીયા ઉ.વ.26 નામના યુવાને કલેકટરને રજુઆત કરી હતી કે ,તેમને કોરોનાના લક્ષણો દેખાઈ છે.આથી જરૂરી સારવાર માટે આજે બપોરે 3 વાગ્યે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગયા હતા અને સિવિલ હોસ્પિટલના ઓપીડીમાં બતાવ્યા બાદ તેમને લેબોરેટરી ટેસ્ટ અને એક્સરે કરવાનું કહેવામાં આવ્યું હતું.આથી તેઓ સિવિલ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં ગયા હતા.પણ ત્યાં હજુ લેબોરેટરી અને એક્સરેનો સ્ટાફ આવ્યો જ નથી.ખાસ્સો સમય રાહ જોયા બાદ પણ સ્ટાફના દર્શન દુર્લભ રહ્યા હતા.બીજી બાજુ તેમની તબિયત ખરાબ થઈ રહી છે.આથી કઈપણ થાય તો કોની જવાબદારી ? તેવા સવાલ સાથે તેમણે કલેકટરને રજુઆત કરીને સિવિલ હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.