મોરબી ધારાસભ્યની પેટા ચૂંટણી : બે પક્ષની નહીં વ્યક્તિગત લડાઈ બનશે!!

મેરજાના રાજીનામાં બાદ ખાલી પડેલી સીટની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ નહીં મેરજા-અમૃતિયા જૂથ વચ્ચે લડાશે તેવા એંધાણ : ભાજપ પ્રવેશ બાદ મેરજાની અંદરખાને ઉમેદવારી ફાઇનલ થતા અમૃતિયા જૂથ ટીકીટ માટે તમામ તાકાત કામે લગાડશે !

મોરબી : રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતે તે માટે મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ભાજપ સાથે ગોઠવણ કરી ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌને ચોંકાવી દીધા હતા. જોકે બ્રિજેશ મેરજાનું ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ પ્રવેશ બાદ આગામી પેટાચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી અંદરખાને ફાઇનલ થઈ જતા મોરબીના સ્થાનિક રાજકારણમાં ભારે ઉથલ પાથલ થાય અને આગામી પેટાચૂંટણી ભારે રસાકસીભરી રહે તેવા એંધાણ મળી રહ્યા છે.

કારણ કે મેરજાના રાજીનામાં બાદ તેના ભાજપ પ્રવેશ અને બીજેપીની ટીકીટ અંદરખાને ફાઇનલ થતા મોરબીના જુના અને જાણીતા ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું જૂથ હાલ અંદરખાને નારાજ છે. જોકે હાલ કાંતિલાલ ખુલ્લીને મેરજાનો વિરોધ નથી કરી રહ્યા અને ભાજપ જેમ કહેશે તેમ કરીશ તેવું જણાવી બધું ઠીક ઠાક છે કોઈ નારાજગી નથી તેવું ઓફિસયલી જણાવી રહ્યા છે. પરંતુ અંદરખાને મેરજાના ભાજપ પ્રવેશ અને પેટાચૂંટણીમાં ભાજપ તરફથી મેરજાની ઉમેદવારી ફાઇનલ હોવાથી સતત પાંચ ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અમૃતિયા અને તેમના સમર્થકો દ્વારા અસ્તિત્વની લડાઈ હોય તેમ અંદરખાને મેરજાના વિરુદ્ધમાં માહોલ ઉભો કરી પોતાને ટીકીટ મળે તેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. જેમાં અમૃતિયાના સમર્થકો દ્વારા અમુક ગામોમાં મેરજાની પ્રવેશબંધી અને મેરજા ગદાર છે તેવા બેનરો લાગ્યા છે. અને સોશિયલ મીડિયામાં પણ અમારા ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાનું કેમ્પિયન શરૂ કરી દીધું છે. આ જોતા એ સ્પષ્ટ છે કે મોરબીની આગામી ચૂંટણીમાં ભાજપમાં પણ બે જૂથ પડશે અને આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની સાથે ભાજપ-ભાજપ વચ્ચે પણ લડાય તો નવાઈ નહીં. જ્યારે ભાજપનું એક જૂથ જેનો મેરજાના ભાજપ પ્રેવશમાં મહત્વનો રોલ છે તેઓ કોઈ પણ કાળે મેરજાની ભાજપના સિમ્બોલ પર જીતાડવા સક્રિય છે.

જ્યારે સામાંપક્ષે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પણ વર્ષો પછી ભાજપનો ગઢ ગણાતી મોરબીની સીટ પર ફરીથી કબજો કરવા કવાયત હાથ ધરી છે. પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ મોરબી આંટાફેરા શરૂ કરી દીધા છે. હાલમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાની કોંગ્રેસમાંથી દાવેદારી મજબૂત મનાઈ છે. તેને પણ પોતાનું કેમ્પિયન શરૂ કરી દીધું છે. જોકે જેમ ચૂંટણી નજીક આવશે તેમ કોંગ્રેસની જૂથબંધી પણ કોંગ્રેસ માટે સમસ્યા ઉભી થાય તેવી શક્યતા છે.

હાલનો માહોલ જોતા મોરબીની પેટા ચૂંટણી અનેક લોકોની રાજકીય કારકિર્દી માટેની અસ્તિત્વની લડાઈ બનશે. જાણકારોનું માનવું છે આ પેટા ચૂંટણી પક્ષની લડાઈને બદલે વ્યક્તિગત લડાઈ બને તેવી પુરી શક્યતા છે. તેમજ આ પેટા ચૂંટણીમાં ભાજપના નારાજ જૂથ અને કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાની પક્ષ પલટાની છાપને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવશે જેથી આ ચૂંટણીમાં પક્ષની વિચારધારા અને વિકાસના બદલે વ્યક્તિગત મુદા હાવી રહે તેવી પુરી શકયતા છે.

તેમજ આ પેટા ચૂંટણી પહેલાનો માહોલ પણ ભારે ગરમાવા વાળો રહેશે કારણ કે હાલતો બ્રિજેશ મેરજાના ભાજપ પ્રવેશ પહેલા થયેલી ગોઠવણ મુજબ અંદરખાને મેરજાની ભાજપ તરફથી ઉમેદવારી ફાઇનલ છે. જ્યારે બીજી બાજુ કાંતિલાલનું જૂથ પણ ટીકીટ માટે તમામ પ્રયત્નો કરી લેવાના મૂડમાં છે. જયારે કોંગ્રેસમાં પણ અનેક મુરતિયાઓ ઉથલ પાથલ કરવાના મૂડમાં છે. જેથી આ પેટા ચૂંટણી અનેક બાબતમાં નિર્ણાયક સાબિત થશે.

કરણ કે આ મોરબીની પેટા ચૂંટણીના પરિણામો સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા બ્રિજેશ મેરજા, કાંતિલાલ અમૃતિયાની વ્યક્તિગત રાજકીય કારકિર્દી નક્કી કરવાની સાથે ભાજપના સાંસદ કુંડારિયાના જૂથ અને ભાજપ સંગઠનની તાકાત, તેમજ સામાપક્ષે હાર્દિક પટેલની મોરબી વિસ્તારમાં હજુ કેટલી પકડ છે તે નક્કી કરનારી હોવાથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની મોરબીની પેટા ચૂંટણી ઉપર નજર રેહશે. અને આ પેટા ચૂંટણી અનેક ઉથલ પાથલ સાથેની રસાકશીભરી અને ઐતિહાસિક બની રહેશે.

શું કહે છે પેટા ચૂંટણી અંગે ભાવિ ઉમેદવારો ?

મોરબીની પેટા ચૂંટણી અંગે (ભાજપ તરફથી આમ તો અંદરખાને ફાઇનલ ગણાતા) બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે તેઓ મોરબી વિસ્તારના લોકોના પ્રશ્નો અને સમસ્યાના હલ માટે ભાજપમાં આવ્યા છે. ભાજપનું સંગઠન જે નિર્ણય લેશે તે તેમને માન્ય રેહશે. જ્યારે ભાજપના અગાવ પાંચ ટર્મ ચૂંટણી જીતેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ પોતે ભાજપમાં જ છે અને કાયમી રેહશે અને ભાજપ સંગઠનની સૂચના મુજબ જ કામ કરશે તેવું હાલ જણાવી રહ્યા છે. જ્યારે હાલમાં કોંગ્રેસ તરફથી મુખ્ય દાવેદાર ગણાતા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ પણ જણાવ્યું હતું કે બ્રિજેશ મેરજાએ પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે તેમને સબક શીખડાવા માટે કોંગ્રેસ એક જૂથ થઈ કામ કરશે અને કોંગ્રેસ જેને પણ ટીકીટ આપશે તેને જીતાડવા કોંગ્રેસ પક્ષ પુરી તાકાતથી મહેનત કરશે.

ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મેરજા માત્ર 3419 મતે કાંતિલાલ સામે જીત્યા હતા

મોરબી વિધાનસભાની સીટ આમ તો ભાજપની પરંપરાગત સીટ ગણાય છે. પરંતુ ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની ભારે અસર વચ્ચે કોંગ્રેસમાંથી ઉભા રહેલા બ્રિજેશ મેરજાને કુલ 89396 મત મળ્યા હતા જ્યારે તેમના મુખ્ય હરીફ અને સતત પાંચ ટર્મથી વિજેતા થતા ભાજપના કાંતિલાલ અમૃતિયાને 85977 મત મળ્યા હતા. આમ માત્ર 3419 મતની સરસાઈથી મેરજા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયા હતા. ત્યારે હવે આગામી પેટા ચૂંટણીમાં મેરજા ભાજપ તરફથી ઉભા રહે તેવી પુરી શકયતા છે. અને આ સીટનો ઇતિહાસ જોઈએ તો ગત 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની જબરી અસર વચ્ચે કોંગ્રેસની નજીવા મતે થયેલી જીતને બાદ કરતાં હંમેશા આ સીટ પર ભાજપનો જ દબદબો રહ્યો છે. અને કાંતિલાલ અમૃતિયાએ પાંચ પાંચ ટર્મ સુધી એકચક્રી શાશન કર્યું છે. ત્યારે કોંગ્રેસમાંથી અચાનક ભાજપમાં મેરજાએ આગમન કરતા મોરબીની આગામી પેટા ચૂંટણી પણ ઐતિહાસિક બની રહે તેવો માહોલ હાલમાં સર્જાયો છે.