મોરબી જિલ્લામાં મેઘરાજાનું ધીમધારે વ્હાલ : ટંકારા અને વાંકાનેરમાં અઢી ઈંચ વરસાદ

વાંકાનેરના નેશનલ હાઇવે ઉપર સર્વિસ રોડમાં પાણી ભરાયા, ટંકારામાં વરસાદને પગલે વીજળી ગુલ

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારેથી મેઘરાજાએ ધીમીધારે વાહલ વરસાવ્યું હતું. મોરબી તાલુકા, ટંકારા પંથક, વાંકાનેર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે અને ટંકારા તથા વાંકાનેર તાલુકામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.

મોરબીમાં આજે સવારથી વરસાદી માહોલ બધાયો હતો અને સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જેમાં મોરબી શહેર અને તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હોવાના વાવડ છે. તેમજ ટંકારા પંથકમાં પણ ધીમધારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણ એકદમ ટાઢુંબોળ થઈ ગયું છે. બે કલાક સુધી ધીમેંધારે વરસાદ પડ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે. પણ આકાશ હજુ ઘનઘોર વાદળોથી છવાયેલું છે. આજે સવારે 10 થી બપોરના 12 વાગ્યા દરમિયાન પડેલા વરસાદના સરકારી ચોપડે નોંધાયેલા આકડા મુજબ ટંકારામાં 62 એમએમ અને વાંકાનેરમાં 60 એમએમ તેમજ મોરબીમાં 2 એમએમ વરસાદ પડ્યો છે.

જ્યારે વાંકાનેરના અમારા પ્રતિનિધિ હરદેવસિંહના જણાવ્યા મુજબ વાંકાનેરમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને આશરે અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. વરસાદને પગલે વાંકાનેર નેશનલ હાઈવે પાણીથી ભરાઇ જતાં વાહન વ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો. જોકે દર વર્ષે નેશનલ હાઈવે પર બંને સાઇડ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉપરાંત ટંકારાના અમારા પ્રતિનિધિ જયેશભાઇ ભટાસણાના જણાવ્યા મુજબ ટંકારામા આજે સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી સચરાચર વરસાદ પડ્યો છે. તેમજ ટંકારાના ગામડામા પણ વરસાદ નોંધાયો હોવાના વાવડ છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં લાઈટ ગુલ થઈ હતી. રવિવારને ગુરૂપુનમે સવારે વરસાદ પડતા લોકોમાં હરખની હેલી જોવા મળી છે.