મોરબી : નિધી પાર્કની મહિલાઓ દ્વારા ગટર ઊભરાવવાની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત

મોરબી નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : મોરબીના નિધી પાર્કની મહિલાઓ દ્વારા ગટર ઊભરાવવાની સમસ્યા અંગે મોરબી નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ બાબત અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મોરબીમાં રોહીદાસપરા મેઈન રોડ પર રણછોડનગર વિસ્તારમાં આવેલ શાંતિવન સ્કૂલની નજીક નિધી પાર્કના મેઈન રોડ પર ગટર ઉભરાવવાના કારણે ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. આથી, ત્યાંના રહીશ ફરજાના બહેન સિપાઈની આગેવાની હેઠળ 20-25 મહિલાઓએ આજે નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે ગટરનું પાણી સોસાયટીના રોડ પર આવી ગયું છે. તેથી, ઘરમાં જવા માટે ગંદા પાણી પર ચાલવું પડે છે. તેમજ લાઈટ, પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધા અંગે પણ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવા અપીલ કરી હતી.