મોરબી : પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ, બન્ને ઇન્ચાર્જે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી

 

ઇન્ચાર્જ તરીકે નિમાયેલા મંત્રી સૌરભ પટેલ અને આઈ.કે. જાડેજાએ ઉમેદવારીની રેસમાં રહેલા બ્રિજેશ મેરજા અને કાંતિભાઈ અમૃતિયાને રૂબરૂ સાંભળ્યા

મોરબી : મોરબીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કરતા આગામી દિવસોમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપ દ્વારા આ બેઠક કબ્જે કરવા માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સંદર્ભે આજે પ્રદેશે નિયુક્ત કરેલા બે ઇન્ચાર્જ દ્વારા મોરબી- માળિયા બેઠકની ઉમેદવારીની રેસના બે અગ્રણીઓ મેરજા અને અમૃતિયાને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપે મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે મંત્રી સૌરભ પટેલ અને આઈ.કે. જાડેજાને ઇન્ચાર્જ તરીકે નીમ્યા છે. આ બન્ને ઇન્ચાર્જ આજે મોરબી પહોંચ્યા હતા. અહીં તેઓએ બ્રિજેશ મેરજા અને કાંતિભાઈ અમૃતિયાને સાંભળ્યા હતા. સાથે સ્થાનિક આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી. જો કે અંદરના આધારભૂત સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબી- માળિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે બ્રિજેશ મેરજાનું નામ ફાઇનલ સ્ટેજમાં છે.

માટે અહીં આવેલા બન્ને ઇન્ચાર્જ દ્વારા ઉમેદવારીની રેસમાં રહેલા ભાજપના જુના જોગી કાંતિભાઈ અમૃતિયાને મનાવવાના પ્રયાસ પણ કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તૈયારીઓ શ્રી ગણેશ કર્યા હતા. બાદમાં હવે ભાજપે પણ શ્રી ગણેશ કરીને તૈયારીઓ આરંભી દીધી છે.