મોરબીમાં અકસ્માતે મોત થયા બાદ આધેડનું પીએમ કરાવ્યા વગર પરિવારજનોએ અંતિમવિધિ કરી નાખી

- text


પોલીસે મૃતકના પરિવારના પાંચ સભ્યો સામે નોન કોનેઝેબલ ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના વાડી વિસ્તારમાં માર્ચ મહિનામાં વૃક્ષ કાપી વખતે નીચે પડી જવાથી ગંભીર ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું બાદમાં મૃતક આધેડનું પીએમ કર્યા વગર જ તેના પરિવારજનોએ બરોબાર મૃતકની અંતિમવિધિ કરી નાખી હતી. આ મામલો ધ્યાને આવતા એ ડિવિજન પોલીસે આ બનાવ મામલે મૃતકના પરિવારના પાંચ સભ્યો સામે નોન કોનેઝેબલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતા સવજીભાઈ માવજીભાઈ પરમાર ઉ.વ.57 નામના આધેડ ગત તા.27 માર્ચના રોજ નીલગીરીના વૃક્ષ ઉપર ડાળખી કાપતી વખતે અકસ્માતે નીચે પટકાયા હતા. જેમાં આધેડના માથાના ભાગે ગંભીર ઇજા થયા બાદ તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર રાજકોટ અને અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું.

જોકે આ બનાવ અકસ્માતમાં મોત થયાનો હોય અને વિધિવત રીતે મૃતકનું પીએમ કરવાનું હોવા છતાં મૃતકના પરિવારજનોએ આધેડનું પીએમ કર્યા વગર તેમની બારોબાર અંતિમવિધિ કરી નાખી હતી. આ ગંભીર બાબત ધ્યાને આવતા એ ડિવિજન પોલીસે મૃતકના પરિવારજનો જયેશભાઇ સવજીભાઈ પરમાર, જગદીશભાઈ સવજીભાઈ પરમાર, ગોકળભાઈ સવજીભાઈ પરમાર, નારણભાઈ છગનભાઇ પરમાર અને દયારમભાઈ દેવરાજભાઈ પરમાર સામે નોન કોનેઝેબલ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text